Site icon Revoi.in

કચ્છમાં ફરી એકવાર ધરા ધણધણી, ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છના ભચાઉમાં ધણા ધણધણતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.9 નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યાં છે, જેથી લોકોમાં ભય ફેલાયો છે.

કચ્છના પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય હોવાથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. દરમિયાન ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. આઠેક દિવસ પહેલા પણ કચ્છમાં રાત્રિના સમયે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.1 નોંધાઈ હતી. તેમજ તેજ દિવસે બપોરના સમયે કચ્છના ફતેહગઢમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. કચ્છમાં ગણતરીના દિવસોમાં જ ભૂકંપનો આ ત્રીજો આંચકો નોંધાયો છે. રિએક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો શ્રેણીમાં રાખવામાં આવે છે. મતલબ કે આ પ્રકારના ભૂકંપની તીવ્રતા એટલી ઓછી રહે છે કે લોકોને તેનો અનુભવ થતો નથી. તે માત્ર અત્યાધુનિક સિસ્મોમીટરથી જ શોધી શકાય છે. 2.0 થી 2.9 ની તીવ્રતાના ભૂકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના આંચકામાં કોઈપણ પ્રકારના નુકસાનની શક્યતા નહિવત છે.