દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.2ની તીવ્રતા નોંધાઈ
- દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા
- 4.2ની તીવ્રતાના અનુભવાયા આંચકા
- રાજસ્થાનના અલવરમાં હતું એપીસેન્ટર
- લોકો ડરના માર્યા નીકળ્યા ઘરની બહાર
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું.. આ ભૂકંપનું એપીસેન્ટર રાજસ્થાનના અલવરમાં રહ્યું હોવાનું જણાવાયું છે. ભૂકંપનો આ આંચકો રાતે 11.46 વાગ્યે અનુભવાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ ધરતીની સપાટીથી 5 કિમી નીચે રહ્યું હતું.
ભૂકંપના આંચકા ગુરૂગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયાની જાણકારી સ્કાયમેટ વેધરે આપી હતી.ભૂકંપના આંચકા અનુભવાતા થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહેતા લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી
બપોરે પણ રાજસ્થાનમાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા
આના થોડા કલાકો પહેલા રાજસ્થાનના સીકર જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના નિદેશક રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે, સવારે 11: 26 વાગ્યે સીકરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ૩.0 નોંધાઇ હતી. તેમણે કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર રીંગસની આસપાસના ધરતીની સપાટીથી 5 કિમી નીચે સ્થિત હતું. સીકર પોલીસ કંટ્રોલરૂમ મુજબ ભૂકંપને કારણે કોઈપણ પ્રકારની જાન-માલનું નુકસાન થયું હોવાની કોઈ તાત્કાલિક સૂચના નથી.
ભૂકંપના 4 સિસ્મિક ઝોન
ભૂકંપની બાબતમાં 4 સિસ્મિક ઝોનમાં દેશ વિભાજિત કરવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆર ઝોન 4 માં આવે છે. આ તબાહીના મામલામાં બીજા નંબરનું ઝોન છે. આ ઝોનમાં રિક્ટર સ્કેલ પર સાતથી આઠ તીવ્રતાના ભુકંપની સંભાવના છે. દિલ્હી-એનસીઆર ભૂકંપના મામલે મજબૂત જોખમી ક્ષેત્રમાં છે.
-દેવાંશી