Site icon Revoi.in

કચ્છમાં ફરી ધરા ધણધણીઃ દુધઈ અને ભચાઉમાં ભૂકંપના આંચકા

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન મધ્યરાત્રિથી સવાર સુધીમાં કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયાં હતા. મોડી રાતે દુધઈ અને ભચાઉમાં ભૂંકપના આંચકા અનુભવાયાં હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભૂકંપના 35 જેટલા કંપન આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના દુધઈમાં રાતના 12.12 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારે ભચાઉમાં 5.59 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છમાં ગણતરીના કલાકોમાં જ 3 અને 1.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું છે. જ્યારે વહેલી સવારે ભચાઉમાં અનુભવાયેલા ભૂકંપનું કેંદ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભૂકંપના 35 આંચકા આવ્યાં છે. જેમાં 3ની તીવ્રતાના 4 આંચકા નોંધાયાં છે. કચ્છમાં ભૂકંપના આંચકા આવતા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.