અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા આવે છે. ગઈકાલે ગોંડલમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. દરમિયાન આજે કચ્છમાં ધરા ધ્રુજી હતી. કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં છેલ્લા બે મહિનાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. બે મહિનાના સમયગાળામાં લગભગ ભૂકંપના 70થી વધારે આંચકા અનુભવાયાં છે. દરમિયાન આજે સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિમી દૂર નોંધાયું હતું. આ ઉપરાંત ઉપલેટામાં સવારે 2.6ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ધરતીકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે.