દિલ્હી:લદ્દાખમાં ભારે હિમવર્ષા અને ધુમ્મસ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 4.33 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર લેહમાં હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સવારે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો.ભૂકંપના કારણે કેટલાક લોકોની ઊંઘ ઉડી ગઈ અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપ બહુ જોરદાર ન હોવાથી જાન-માલનું નુકસાન થયું ન હતું. છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે હિમવર્ષા થઈ રહી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વારંવાર ભૂકંપ આવે છે. એક અઠવાડિયા પહેલા પણ લદ્દાખમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી અને ત્યારબાદ ઓછી તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ હળવો ભૂકંપ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનો પહેલો આંચકો બપોરે 3.48 કલાકે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કારગિલ હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે 33.41 ડિગ્રી અક્ષાંશ અને 76.70 ડિગ્રી રેખાંશ પર હતું. NCSએ જણાવ્યું કે આ પછી લગભગ 4.01 વાગ્યે 4.8 અને 3.8 ની તીવ્રતાના વધુ બે આંચકા અનુભવાયા.જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સાંજે 4.18 કલાકે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ 33.37 ડિગ્રી અક્ષાંશ અને 76.57 ડિગ્રી રેખાંશ પર સ્થિત હતું.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.