જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને લદ્દાખમાં ભૂકંપના આંચકા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર કાશ્મીરના આ જિલ્લામાં બપોરે 12.26 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર નીચે હતું. હાલમાં આના કારણે કોઈ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આજે વહેલી સવારે લદ્દાખના લેહમાં 2:02 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી. અહીં પણ હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. લદ્દાખ બાદ ગણતરીના કલાકોમાં જ બારામુલ્લામાં પણ ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં અથડાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે. ધરતીકંપનું કેન્દ્ર એ સ્થળ છે જેની નીચે પ્લેટોમાં હલનચલનને કારણે ભૂસ્તરશાસ્ત્રીય ઉર્જા બહાર આવે છે. આ જગ્યાએ ભૂકંપના સ્પંદનો વધુ તીવ્ર હોય છે. વાઇબ્રેશનની આવર્તન જેમ જેમ વધે છે તેમ તેમ તેની અસર ઘટતી જાય છે.