Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા

Social Share

નવી દિલ્હીઃ સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.45 વાગ્યાના સુમારે અચાનક આંચકા આવતા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ વર્ષનો આ બીજો ભૂકંપ છે.

નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી છે. ચીનમાં રાત્રે 11.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 80 કિલોમીટરની ઉંડાઈએ હતું.

દિલ્હી-એનસીઆરમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઉંચી ઈમારતો પર રહેતા લોકોએ જોરદાર આંચકા અનુભવ્યા. આ આંચકા દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત નજીકના શહેરોમાં અનુભવાયા હતા. આ સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા છે.

દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ વર્ષનો આ બીજો ભૂકંપ છે. આ પહેલા 11 જાન્યુઆરીએ પણ દિલ્હી-NCR વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના આંચકા જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં પણ અનુભવાયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. આ ભૂકંપ અફઘાનિસ્તાનમાં સપાટીથી લગભગ 220 કિલોમીટર નીચે આવ્યો હતો.