- કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- 4.1ની તીવ્રતા નોંધવામાં આવી
- ભૂકંપના આંચકા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ
ભૂજ: ગુજરાતના કચ્છ જિલ્લામાં થોડા સમય પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા. કચ્છનાં ધોળાવીરા નજીક એપીસેન્ટર નોંધાયું હતું. આજે બપોરે 12.08 મિનિટે આવેલ ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે. ભૂકંપનાં આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી.
હજુ બે દિવસ પહેલા જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.2 નોંધાઈ હતી.જામનગરથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.
ભૂકંપ ભારતના ઉત્તર ભાગમાં આવેલા રાજ્યોમાં પણ આવતો રહે છે અને તેની પાછળ પણ જમીનની અંદર થતી હલન ચલનની ઘટનાઓ જવાબદાર હોય છે. જમીનમાં રહેલી પ્લેટો ઉત્તરના ભાગમાં ખસતી હોવાના કારણે ભૂકંપના આંચકાઓ અનુભવાય છે.