ભારતીય ભોજનમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થાય છે. જેમાં દહીં સૌથી વધુ ઉપયોગમાં આવતી વસ્તુ છે. દરેક ઘરમાં દહીંનો અલગ અલગ રીતે રોજ ઉપયોગ કરવામાં આવે છે. દહીંને પૌષ્ટિક વસ્તુ પણ કહેવાય છે કારણ કે તે પ્રોબાયોટિક્સ, પ્રોટીન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દરેક વ્યક્તિએ દહીંને ડાયટમાં સામેલ કરવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે દહીંને જો સાંજ પછી ખાવામાં આવે તો તે નુકસાનકારક પણ સાબિત થાય છે ? આયુર્વેદમાં પણ કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેમાં દહીંનો પણ સમાવેશ થાય છે.
ઘણા લોકો રાત્રે પણ દહીં ખાતા હોય છે. જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો તમારા માટે એ જ જાણવું જરૂરી છે કે રાત્રે દહીં ખાવાથી શરીરને કેવા કેવા નુકસાન થઈ શકે છે.
રાત્રે દહીં ખાવાથી થતા નુકસાન
1. રાત્રે દહીં ખાવાથી કેટલાક લોકોને પાચન સંબંધિત સમસ્યા થઈ જાય છે. જેમકે પેટ ફુલવું, અપચો કે ગેસની સમસ્યા. રાત્રે દહીં ખાવાથી તેનું પાચન બરાબર થતું નથી. તેના કારણે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
2. દહીમાં લેક્ટોસ નામનું સુગર હોય છે જેને પચાવવા માટે કેટલાક એન્ઝાઈમની જરૂર પડે છે. ઉંમર વધવાની સાથે શરીરમાં આ એન્ઝાઈમનું ઉત્પાદન ઘટી જાય છે જેના કારણે લેક્ટોસ ઇનટોલરન્સની સમસ્યા થઈ શકે છે.
3. રાત્રે દહીં ખાવાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. દહીં ખાધા પછી શક્ય છે કે તમને કલાકો સુધી ઊંઘ ન આવે. દહીમાં ટાઈરામીન નામનો પદાર્થ હોય છે. જે મગજને ઉત્તેજિત કરે છે. પરિણામે ઊંઘ ઝડપથી આવતી નથી.
4. જે લોકોને સાંધાના દુખાવા કે સાંધામાં સોજાની તકલીફ હોય તેણે રાત્રે દહીં બિલકુલ ન ખાવું. આયુર્વેદ અનુસાર રાત્રે દહીં ખાવાથી સાંધાના દુખાવા અને સોજા વધી શકે છે.
5. દહીં પ્રોટીનથી ભરપૂર હોય છે પરંતુ તેમાં ફેટ પણ હોય છે. રાત્રે દહીં ખાવાથી શરીરમાં ફેટ વધવાની સંભાવના વધી જાય છે કારણ કે રાતના સમયે શરીરની ગતિવિધિ ઓછી હોય છે.
જો દહીંથી મળતા બધા જ લાભને મેળવવા હોય તો દહીં હંમેશા દિવસે જ ખાવું. બપોરના ભોજનની સાથે તમે એક વાટકી દહીં નિયમિત ખાઈ શકો છો. જો રાત્રે તમારે ડાયટમાં દહીંનો સમાવેશ કરવો હોય તો તેની છાશ બનાવીને ઉપયોગમાં લેવું.