અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં હોવાથી 29 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાની ચેઈન તોડવા માટે અનેક ગામ અને નાના શહેરોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. દરમિયાન સુરતમાં તમામ કાપડ માર્કેટ આગામી 5મી મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય ફોસ્ટાએ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલ તમામ કાપડના મારકેટ, દુકાનો, આગામી 5 મે સુધી એટલે કે આઠ દિવસ સુધી બંધ રહેશે. આ ઉપરાંત સુરત શહેરમાં આવેલ વિવિધ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ રહેશે.
ગુજરાતમાં સતત આઠ દિવસ સુધી વિવિધ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ બંધ રાખવાના કારણે, કોરોનાનુ સંક્રમણ ઘટશે અને હોસ્પિટલો ઉપરનું ભારણ પણ ઓછુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે મનપા તંત્ર દ્વારા આકરા નિયંત્રણો લેવામાં આવ્યાં છે. તેમજ પોલીસ દ્વારા પણ રાત્રિ કરફ્યુનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. કર્ફ્યુમાં લોકો બીન જરૂરી બહાર ન નીકળે તે માટે પોલીસે વાહનો ઉપર સ્ટીકર લગાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે.