અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રી મેળાને આ વર્ષે કોરોના મહામારીને નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 7મી માર્ચથી મેળો યોજાવાનો હતો અને તેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રિનો મેળો યોજાય છે. જેમાં દેશ વિદેશથી લોકો આવે છે. પાંચ દિવસ સુધી દિગ્બંર સાધુઓ ધુણી ધખાવે છે. તેમજ શિવરાત્રીની રાતે રવાડી નીકળે છે અને મૃગીકુંડમાં સ્નાન બાદ મેળો પૂર્ણ થાય છે. ચાલુ વર્ષે મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જો કે, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. તેમજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે આ વર્ષે મહાશિવરાત્રી મેળો નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેથી હરકતમાં આવેલા તંત્ર દ્વારા પડોશી રાજ્યોની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.