સુરતઃ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમરૂપી રક્ષાબંધનનો પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં રાખડીઓની ખરીદી વધી રહી છે, જોકે આ વખતે બજારમાં છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે. સુરતમાં આ વખતે ગૌસંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં મુકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. તો બીજી તરફ આ રાખડીઓ આદિવાસી મહિલાઓ પાસે બનાવડાવવામાં આવે છે જેના દ્વારા તેઓ રોજીરોટી મેળવી શકે. છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત વસ્તુઓના વપરાશનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ ગાયના છાણનો ઉપયોગ કરીને વિવિધ ઇકોફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.
છેલ્લા બે વર્ષથી દિવાળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલા દીવાઓ અને હોળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગાય આધારિત ખેતી પણ વધી છે. જેના કારણે ગાયમાતાનું મહત્વ તો સચવાયુ જ છે. સાથે સાથે લોકો માં ઇકોફ્રેન્ડલી અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે લગાવ પણ વધ્યો છે. અને એમાં પણ આ વખતે છાણમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં હાલ આકર્ષણ જમાવી રહી છે. અને આ રાખડીઓ ઘણી આદિવાસી મહિલાઓને રોજી રોટી પણ આપી રહી છે. રાખડીઓને વૈદિક રાખડીઓ નામ આપ્યું છે. ગાયનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ઘણું છે. અને તેથી જ ગાયના છાણમાંથી બનાવેલી વૈદિક રાખડીઓનું પણ ખુબજ મહત્વ છે. આ રાખડીઓ આદિવાસી મહિલાઓ પાસે બનાવવામાં આવે છે. જેનાથી તેમને રોજી રોટી મળે છે. અને આદિવાસી મહિલાઓ પગભર થાય છે. હાલ 35 જેટલી મહિલાઓ આ વૈદિક રાખડીઓ બનાવી કમાણી પણ કરી રહી છે. આ રાખડી બજારમાં 30 રૂપિયામાં મળે છે.