1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાંતલપુરના એવાલ ગામે ઈકો ટુરિઝમ સેન્ટર, ઘુડસર, ચિંકારા જેવા વન્યજીવો નિહાળી શકાશે
સાંતલપુરના એવાલ ગામે ઈકો ટુરિઝમ સેન્ટર, ઘુડસર, ચિંકારા  જેવા વન્યજીવો નિહાળી શકાશે

સાંતલપુરના એવાલ ગામે ઈકો ટુરિઝમ સેન્ટર, ઘુડસર, ચિંકારા જેવા વન્યજીવો નિહાળી શકાશે

0
Social Share

પાટણઃ એક સમયે વેરાન અને ઉજ્જડ ગણાતા સાંતલપુરના અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.  સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત નિર્મિત ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટી (ઈકો ટુરીઝમ સેન્ટર)નું  ઈ-લોકાર્પણ તાજેતરમાં  વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ  ઇ- લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ વરચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લાની સરહદે આવેલા સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે ઈકો ટુરીઝમ સેંન્ટર બનાવવા માટે ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકની સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (B.A.D.P.) યોજના હેઠળ પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.2.70  કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટર (કેમ્પ સાઈટ) તૈયાર કરવામાં આવ્યો છે. જેને ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીઝ તરીકે ઓળખવામાં આવશે.આ ઈકો ટુરીઝમ સેન્ટરના સ્થળ ઉપર પાર્કિંગ, રીસેપ્શન, ડાઈનીંગ એરીયા, બાળકો માટે રમવાના સાધનો, ગાર્ડન એરીયા, ગઝેબો-2, સિંગલ કોટેઝ-4, ડબલ કોટેઝ-2, 10 બેડની વ્યવસ્થા વાળી ડોરમેટ્રી-1 જેવી પ્રવાસીઓને રહેવા માટેની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંતલપુરના એવાલ ગામે નવનિર્મિત ઈકો ટુરીઝમ સ્થળની નજીક ચારણકા સોલાર પાર્ક આવેલું છે. જે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક છે તેમજ ઈશ્વરીયા મહાદેવ મંદિર-જાખોત્રા, વરવડી માતાજીનુ મંદિર-ઘોકાવાડા, સગત માતાજી મંદિર-ઝઝામ, ભીમકુંડ-આલુવાસ, નકલંક ધામ-વૌવા, જેવા જોવાલાયક ધાર્મિક સ્થળો ઈકો ટુરીઝમ સેન્ટરની નજીકમાં આવેલા છે. પર્યાવરણ પ્રેમીઓ માટે તેમજ પ્રવાસીઓ માટે હરવા-ફરવા તેમજ આજકાલની દોડ-ધામ ભરી જીવનશૈલીથી દુર એવુ આ કેન્દ્ર લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બની લોકોમાં પર્યાવરણના જતન, વનોના સંરક્ષણ/સંવર્ધન પ્રત્યે લોક જાગૃતિ કેળવવામા મદદરૂપ થશે. આ ઈકો ટુરીઝમ સેન્ટરથી ઘુડખર અભ્યારણ વિસ્તાર અડીને આવેલો હોવાથી અભ્યારણમા વસતા વન્યપ્રાણીઓ જેવાકે ઘુડખર, ઝરખ, નીલગાય, ચિંકારા, શીયાળ, શાહુડી, જેવા પ્રાણીઓ નિહાળવાનો પ્રવાસીઓને લહાવો મળશે. આ ઈકો ટુરીઝમ સેન્ટરથી સાંતલપુર પંથકમાં સૌથી મોટો પ્રવાસન પ્રોજેક્ટ નિર્માણ પામેલ છે. પ્રવાસીઓની મુલાકાત થકી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઉભી થવાથી સરહદી વિસ્તારને વેગ મળશે.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, યુવાઓ માટે કેમ્પસાઈટની નજીકમા ટ્રેકીંગ માટે નેચર ટ્રેઈલની સુવિધાઓ પણ ટુંક સમયમાં ઉપલબ્ધ કરાવવામા આવશે. ઈકો ટુરીઝમ સેન્ટરના કેમ્પસમાં તેમજ આજુબાજુમા અંદાજે 2800 જેટલા દેશીકુળના વૃક્ષોનુ વાવેતર કરીને સુકા વિસ્તારને હરીયાળો બનાવાશે. ઈકો ટુરીઝમ સેન્ટરથી ઘુડખર અભ્યારણનો વિસ્તાર અડીને આવેલું હોઈ રણ દર્શન કરવા જતા પ્રવાસીઓને અભ્યારણ વિસ્તારમા ફરવા જવા માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજુરી મેળવવાની થાય છે. આ ઈકો ટુરીઝમ સેંન્ટરનુ સંચાલન સ્થાનિક ઈકો ટુરીઝમ કમિટી દ્રારા કરવામા આવશે. જેના થકી સ્થાનિક લોકોને રોજગાર પણ મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code