અમદાવાદઃ ગુજરાતના શહેરોમાં જાહેર રો-રસ્તા પર પાર્ક કરેલી ઈકોકારમાંથી સાયલન્સરની ચોરીના બનાવો વધી રહ્યા હતા. તાજેતરમાં વડોદરામાંથી સાયલન્સર ચોરી કરતી ગેન્ગ પકડાયા બાદ અમદાવાદથી પણ ઈકોકારમાંથી સાયલન્સરની ચારી કરતી ટોળકી પકડાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સાયલેન્સર ચોરી થયાની ફરિયાદ વધી રહી હતી જે મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે અનેક સીસીટીવી ફૂટરજ તપાસીને ચોરીના સાયલેન્સર સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા .જોકે હજુ 2 આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. રામોલ પોલીસે સાયલેન્સર ચોરી મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે 170 સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ ઈસમોની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. ત્યાર બાદ પોલીસે વધુ તપાસ કરતા બાતમી મળી હતી કે આરોપીઓ બાબા ડુપ્લેક્ષ ટાઇલ્સની દુકાનમાં ચોરી કરીને ઇક્કો ગાડીના સાયલેન્સર લાવી માટી કાઢીને સાયલેન્સર સગેવગે કરવાની ફિરાકમાં છે.પોલીસે રેડ કરતા મોહમંદ સરફરાઝ રાજપૂત, મુજ્જફર પઠાણ મોહમંદ શરીફનવાઝ અંસારીને 11 સાયલેન્સર સાથે ઝડપી પાડ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરતી ટોળકી સક્રિય બની હતી. રાતના સમયે સીસીટીવી ના હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કારના સાયલેન્સર ચોરી કરવા આવતી હતી. અને સાયલેન્સરના પાર્ટસ વેચીને લાખો રૂપિયાની કમાણી કરાતી હતી. સાયલેન્સર ચોર ગેંગના સાત જેટલાં સભ્યો હતાં. જેથી બે સભ્યો સીસીટીવી ના હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કાર પાર્ક કરેલી હોય તેની રેકી કરતા હતા. રાતના સમયે ત્રણ સભ્યો રેકી કરેલી ઇકો કારના સાયલેન્સરની ચોરી કરતા હતા. આ ત્રણ સભ્યો કોઈ ગેરેજ કે અન્ય જગ્યાએ નોકરીનો અનુભવ ધરાવતા હતા જેથી તેમેને સાઈલેન્સર ખોલી ફિટ કરતા આવડતુ હતું. સાયલેન્સર ચોરી થયા બાદ તેના વેચાણ માટે અન્ય બે સભ્યો કામ કરતા હતા. આ સભ્યો હાલ પોલીસ પકડથી દુર છે.
પોલીસે સાયલેન્સર ચોર ગેંગ પાસેથી 13 જેટલા સાયલેન્સર, એક કટર અને એક બાઈક કબજે કર્યું છે. સાઈલેન્સર ચોરી બાદ અંદાજે 8 થી 10 હજાર રૂપિયામાં તેને વેચવામાં આવતું હતું. મહત્વનું છે કે, સાઈલેન્સરની અંદર આવેલી માટીમાં ધાતુનું પ્રમાણ પણ હોય છે અને બજારમાં આ ધાતુની કિંમત ખૂબ ઊંચી હોય છે. જેથી ઇકોના નવા સાયલેન્સર પણ ખૂબ મોંઘા ભાવે મળે છે એટલે ચોરી કરેલા સાયલેન્સર પણ 8 થી 10 હજારમાં વેચવામાં આવતા હતા. આ ઉપરાંત પોલીસે સાયલેન્સર ચોર ગેંગના ઓનલાઇન ટ્રાંજેકશન પણ ચેક કરતા એક લાખ જેટલા રૂપિયા ખાતામાં જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે