નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ હવે પાકિસ્તાન પણ આર્થિક નાદારી તરફ આગળ વધી રહ્યું છે. શ્રીલંકાને ફરીથી બેઠુ કરવા માટે ભારત દ્વારા થતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે વધુ એક પાડોશી દેશ બાંગ્લાદેશ ઉપર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં એપ્રિલ 2022 થી આયાત પ્રતિબંધ સહિત ઘણા પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ દેશની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. બાંગ્લાદેશમાં ઈંધણ અને રાંધણ ગેસના ભાવ સતત વધી રહ્યા છે અને તેની સીધી અસર ઉદ્યોગો પર થઈ રહી છે. રોકડની તંગીને કારણે બાંગ્લાદેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે. બાંગ્લાદેશમાં જનતા સતત સરકાર પાસે રાહતની માંગ કરી રહી છે. બાંગ્લાદેશની દયનીય સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે, કારણ કે તે પર્યાપ્ત ચલણ અનામતના અભાવે લેટર ઓફ ક્રેડિટ જારી કરવામાં અસમર્થ છે.
બાંગ્લાદેશની દુર્દશા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, વિદેશી હૂંડિયામણની કટોકટીથી દેશ મુશ્કેલીમાં છે, જ્યારે ગેરકાયદેસર લેવડદેવડને કારણે આર્થિક મોરચો તૂટી રહ્યો છે. ઘણી કોમર્શિયલ બેંકોએ પણ બાંગ્લાદેશ સાથેના તેમના વ્યવહારો બંધ કરી દીધા છે. બાંગ્લાદેશમાં વિદેશી હૂંડિયામણની અછત અંગે પણ વિવિધ અભિપ્રાયો સામે આવ્યા છે. બાંગ્લાદેશ બેંકના પૂર્વ ગવર્નર સાલેહ ઉદ્દીન અહેમદે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, સરકારે સમયસર યોગ્ય પગલાં લેવા જોઈએ. જો સરકાર ઓવર ઈન્વોઈસિંગની તપાસ કરે તો કટોકટી પર કાબૂ મેળવી શકાય છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ બાંગ્લાદેશ માટે $4.7 બિલિયન સપોર્ટ લોન પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી બાંગ્લાદેશને મોટી રાહત મળશે. આનાથી ઇંધણ અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોમાં ચોક્કસપણે ઘટાડો થશે. આ લોનથી વિદેશી હૂંડિયામણની કટોકટી પણ ઘણી હદ સુધી ઘટી જશે. બાંગ્લાદેશમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ $46 બિલિયનથી ઘટીને લગભગ $34 બિલિયન થઈ ગયું છે. હવે IMF લોન મળવાની સીધી અસર સામાન્ય નાગરિકો પર જોવા મળશે. વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી અને અહીં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો આસમાને પહોંચી ગઈ હતી.