નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ઉભી થયેલી પરિસ્થિતિની આર્થિક અસર ભારત ઉપર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ગારમેન્ડ અને નિટેડ સેક્ટર બાંગ્લાદેશ સંકટને પગલે અનિશ્ચિતતાનો શિકાર થઈ રહ્યાં છે. તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. જો કે, કેટલી અસર થઈ રહી છે તે અંગે વધારે કહેવાનું ટાળ્યું હતું.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મળેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. પાડોશી દેશમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે ભારતમાં ગાર્મેન્ટ અને નીટેડ સેક્ટરને અસર થઈ રહી છે. તેમના મતે, ભારતમાં આ બંને ક્ષેત્રો વર્તમાન કટોકટીને કારણે અમુક અંશે અનિશ્ચિતતામાં આવી ગયા છે. જો કે તેમણે અસરને લઈને વધારે કહેવાનું ટાળ્યું હતું. નાણામંત્રીના મતે, હાલ વ્યાપક અસરને લઈને કંઈ પણ કહેવું યોગ્ય નથી. અમે ઓછી આવક ધરાવતા દેશો માટે ડ્યુટી અને ક્વોટા પર ઉદાર છીએ. આવી સ્થિતિમાં, વધુ નિકાસ કરવા સક્ષમ છે અને અમે પહેલા આયાત કરીએ છીએ. આવી સ્થિતિમાં ગાર્મેન્ટ અને નીટેડ સેક્ટર પર થોડી અસર જોવા મળી છે.
બાંગ્લાદેશમાં ભારતીય કંપનીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણ અંગે નાણામંત્રીએ કહ્યું કે, અમને આશા છે કે રોકાણ સુરક્ષિત છે. તે સિવાય બાંગ્લાદેશની સ્થિતિની ભારત પર શું આર્થિક અસર પડી શકે છે તે કહેવું વહેલું ગણાશે. તાજેતરમાં મેં અને અન્ય ઘણા લોકોએ બાંગ્લાદેશમાં અમારા કાપડ ઉદ્યોગના રોકાણના મુદ્દા પર ચર્ચા કરી છે. તમિલનાડુની ઘણી ટેક્સટાઈલ કંપનીઓએ બાંગ્લાદેશમાં રોકાણ કર્યું છે.