નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. લોટ, ચોખા, કઠોળ, તેલ, કપડાંથી માંડીને માનવીની રોજિંદી જરૂરિયાતો સુધીની દરેક ચીજવસ્તુના ભાવ આસમાને છે. આવા સંજોગોમાં પણ પાકિસ્તાન પોતાની ગરીબીમાંથી બહાર આવવાને બદલે મિસાઈલો પર જંગી ખર્ચ કરી રહ્યું છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં પણ થઈ રહી છે. ટોચના યુએસ ગુપ્તચર અધિકારી, જેફરી ક્રુસે સંસદને જણાવ્યું હતું કે, પાકિસ્તાને ગયા વર્ષે તેના પરમાણુ હથિયારોને અપગ્રેડ કર્યા છે. તેમનું કહેવું છે કે આનું કારણ ભારત છે. ભારત સાથેના તેના વિવાદાસ્પદ સંબંધોને કારણે તે પોતાની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવામાં વ્યસ્ત છે.
અમેરિકાના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોના અનુમાન પ્રમાણે, પાકિસ્તાન પાસે હાલમાં 170 વોર હેડ છે, જેની સંખ્યા આવતા વર્ષે 200 સુધી પહોંચી શકે છે. પાકિસ્તાન જે ઝડપે પોતાની પરમાણુ શક્તિ અને પરમાણુ હથિયારોમાં વધારો કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ અંદાજ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે લગભગ 170 પરમાણુ હથિયારો છે. 1999 માં, યુએસ ગુપ્તચર એજન્સીએ અનુમાન લગાવ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં પાકિસ્તાન પાસે 60 થી 80 પરમાણુ શસ્ત્રો હશે, પરંતુ તેમની પાસે આના કરતા વધુ શસ્ત્રો છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે વર્તમાન ગતિને જોતા એવો અંદાજ છે કે 2025 સુધીમાં પાકિસ્તાન પાસે 200 વોરહેડ્સ હોઈ શકે છે. જો કે, આ અંદાજિત આંકડાનું કદ ઘણા પરિબળો પર આધારિત છે. જેમ કે, પાકિસ્તાન કેટલા પરમાણુ પ્રક્ષેપણો તૈનાત કરવાની યોજના ધરાવે છે, તેની પરમાણુ વ્યૂહરચના કેવી રીતે વિકસિત થાય છે અને ભારત તેના પરમાણુ શસ્ત્રાગારનું કેટલું વિસ્તરણ કરે છે. તેમણે કહ્યું કે, એવો અંદાજ છે કે પાકિસ્તાન દર વર્ષે 14 થી 27 હથિયાર બનાવવા માટે સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. જો કે, અમારું અનુમાન છે કે તે દર વર્ષે માત્ર 5 થી 10 શસ્ત્રો બનાવતો હશે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો અંગે તેઓએ રજૂ કરેલા આંકડા અનિશ્ચિત છે કારણ કે પાકિસ્તાન કે અન્ય કોઈ દેશે પાકિસ્તાની શસ્ત્રાગાર વિશે વધુ માહિતી આપી નથી. પાકિસ્તાનની અંદર ડેટાના વિશ્વસનીય સ્ત્રોતોની અછતને ધ્યાનમાં રાખીને, અમેરિકન વૈજ્ઞાનિકોએ ખુલ્લા સ્ત્રોતોમાંથી મળેલી માહિતીના આધારે ભવિષ્યમાં પાકિસ્તાનની પરમાણુ શક્તિ વિશે આ અનુમાન લગાવ્યું છે. ન્યુક્લિયર નોટબુક સ્તંભમાં તેના વિશ્લેષણમાં સરકારી ઘોષણાઓ, અવર્ગીકૃત દસ્તાવેજો, બજેટ વિગતો, લશ્કરી પ્રદર્શનો તેમજ મીડિયા અહેવાલો અને થિંક ટેન્કના મૂલ્યાંકનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુક્લિયર નોટબુક કૉલમ 1987 થી બુલેટિન ઑફ ધ એટોમિક સાયન્ટિસ્ટમાં સતત પ્રકાશિત થઈ રહી છે. તે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના ન્યુક્લિયર ઇન્ફોર્મેશન પ્રોજેક્ટની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
- પાકિસ્તાન પાસે કયા પરમાણુ શસ્ત્રો છે?
અબ્દાલી (HATF-2)
ગઝનવી (HATF-3)
શાહીન-I/A (HATF-4)
નાસર (HATF-9)
ગૌરી (HATF-5)
શાહીન-II (HATF-6)
(PHOTO-FILE)