નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીન સામે કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, તપાસ એજન્સીએ તેમને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા છે. HCA ના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. કોંગ્રેસ નેતાને આ પહેલું સમન્સ જારી કરવામાં આવ્યું છે, જેમાં તેમને ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
આ કેસ હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટર, અગ્નિશમન પ્રણાલી અને કેનોપીની ખરીદી માટે ફાળવવામાં આવેલા રૂ. 20 કરોડના કથિત દુરુપયોગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ઓક્ટોબર 2023માં હૈદરાબાદ પોલીસ દ્વારા નોંધાયેલા ચાર ફોજદારી કેસમાંથી મની લોન્ડરિંગનો આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. અઝહરુદ્દીન અને અન્ય ભૂતપૂર્વ HCA અધિકારીઓ પર ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ વિશ્વાસના ગુનાહિત ભંગ, છેતરપિંડી, બનાવટી અને ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, HCAની વિનંતી પર કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં માર્ચ 2020 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે ફંડના ગેરવહીવટનો ખુલાસો થયો હતો. આ તારણો બાદ, HCA CEO સુનીલ કાંતે બોઝે ફરિયાદ નોંધાવી હતી. અઝહરુદ્દીને આરોપોને નકારી કાઢ્યા છે. તેણે તેને ખોટું અને રાજનીતિથી પ્રેરિત ગણાવતા કહ્યું કે, આ માત્ર મારા વિરોધીઓ દ્વારા મારી પ્રતિષ્ઠા બગાડવા માટે કરવામાં આવેલ સ્ટંટ છે. નવેમ્બર 2023 માં, હૈદરાબાદની અદાલતે તેમને ચારમાંથી ત્રણ કેસમાં આગોતરા જામીન આપ્યા હતા.
(PHOTO-FILE)