Site icon Revoi.in

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાની ઈડીએ મનીલોંડરીંગ કેસમાં ધરપકડ કરી

Social Share

નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપેન્દ્ર સિંહ હનીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ તેમની અટકાયત કરી હતી અને કોર્ટ રજૂ કરવાની કવાયત શરૂ કરી હતી. તપાસનીશ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર EDએ ગયા મહિને ભુપેન્દ્રસિંહ હનીના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂ. 8 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. પંજાબમાં ગેરકાયદેસર રેતી ખનન કામગીરીના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું હતું કે “ગેરકાયદેસર” રેતી ખનન અને મિલકત વ્યવહારો, મોબાઈલ ફોન, રૂ. 21 લાખથી વધુનું સોનું અને રૂ. 12 લાખની કિંમતની રોલેક્સ ઘડિયાળ સર્ચ દરમિયાન જપ્ત કરવામાં આવી હતી.

વર્ષ 2018માં પોલીસે પંજાબના નવાશહેરમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે કેસ નોંધ્યો હતો. આ કેસમાં આરોપી કુદરતદીપ સિંહ નવાશહેરમાં ખાણ ધરાવતો હતો. કુદરતદીપ સિંહે બે કંપનીઓ બનાવી હતી જેમાં ભૂપિંદર સિંહ હની પણ ડિરેક્ટર હતા. આ કેસમાં 26 આરોપી છે, જેમાં મોટા ભાગના ટ્રક ડ્રાઈવર છે. FIR મુજબ, પોલીસે ગેરકાયદેસર રેતીથી ભરેલી 30 ટ્રકો પકડી હતી. આ એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

હાલ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં મતદાન યોજાશે તે પૂર્વેજ મુખ્યમંત્રીના ભત્રીજાની ધરપકડ કરવામાં આવતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.