સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે.
તમિલનાડુના થાંથી ટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યુ છે કે અમે ન તો તેમના કામકાજમાં કોઈ પ્રકારની અડચણ નાખીએ છીએ અને ન તો તેમને કંઈ કરવાનો નિર્દેશ આપીએ છીએ. તેઓ સ્વતંત્ર થઈને કામ કરે છે અને તેનું મૂલ્યાંકન અદાલતના માપદંડ પર થાય છે. તેમણે કહ્યુ છે કે ઈડી જે મામલાઓની તપાસ કરી રહી છે, તેમાં 3 ટકાથી પણ ઓછા રાજકારણ સાથે જોડાયેલા છે.
તેમણે કહ્યુ છે કે હાલ ઈડી પાસે સાત હજાર મામલા છે. તેમાંથી 3 ટકાથી પણ ઓછામાં રાજનેતા સામેલ છે. વિપક્ષના 10 વર્ષના રાજમાં માત્ર 35 લાખ રૂપિયા જપ્ત કરાયા હતા. તો અમે 2200 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
વિપક્ષ તરફથી એ પણ આરોપ લગાવાય છે કે એજન્સીઓ માત્ર એ લોકો પર જ એક્શન લઈ રહી છે, જે ભાજપમાંથી નથી. તેના પર પીએમ મોદીએ કહ્યુ છે કે ઈડીના કોઈપણ મામલાને શરૂ કરવાની પ્રક્રિયા એક જ છે, પછી ચાહે સત્તામાં કોઈપણ હોય.
તેમણે કહ્યુ છે કે પાર્ટી કોઈપણ હોય, પ્રક્રિયા તે છે. ઈડી કોઈપણ મામલાને પોતાની મેળે શરૂ કરતી નથી. કોઈ વિભાગને પહેલા કેસ નોંધવો પડે છે. તેના પછી ઈડી એક્શન લે છે. પીએમએલએ પહેલા પણ હતો, પરંતુ વિપક્ષે તેનો ઉપયોગ કર્યો નહીં. પીએમએલએ કાયદાથી છૂટ માટે 150થી વધારે મામલા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા અને તે એક અધિકારીને બનાવી રાખવા અથવા હટાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા.
તેમણે કહ્યુ છે કે આ લોકોએ અદાલતનો હથિયારની જેમ ઉપયોગ કર્યો, કારણ કે તેઓ જાણે છે કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ મોદીની કાર્યવાહી રોકાવાની નથી. તેમને લાગે છે કે તે આ સંગઠનોને કોર્ટ દ્વારા રોકી લેશે.