નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો હતો કે, દિલ્હીમાં નવી દારૂ વેચાણ નીતિ સંબંધિત એક કેસમાં 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપર ગંભીર આરોપ લાગ્યાં છે. એજન્સીએ દાવો કર્યો હતો કે, સિસોદિયા સહિત ત્રણ ડઝનથી વધુ વીઆઈપીઓએ કથિત રીતે ડિજિટલ પુરાવાનો નાશ કરવા માટે 140 મોબાઈલ ફોન એક્સચેન્જ કર્યા હતા. સમગ્ર પ્રકરણમાં એજન્સી અને સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી વચ્ચેમાં સિસોદિયાએ તમામ આરોપો ફગાવીને આરોપો રાજકીય રીતે પ્રેરિત હોવાનો બચાવ કર્યો હતો. તેમજ દરોડામાં સુરક્ષા એજન્સીઓને કંઈ મળ્યું નહીં હોવાનો દાવો કર્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિસોદિયાને સમર્થન આપતાં કહ્યું છે કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર ગુજરાતમાં આવતા મહિને યોજાનારી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) નેતાઓને નિશાન બનાવી રહી છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઈડીએ દારૂ વિચાણ નીતિ સાથે જોડાયેલી બે ખાનગી કંપનીના બે અધિકારીઓની પણ ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી દારૂ વેચાણ નીતિ મામલે ઈડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મનિષ સિસોદિયાના ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતા. એટલું જ નહીં તેમના બેંકના લોકરની પણ તપાસ કરવામાં આવી હતી. ઈડીની તપાસમાં કંઈ નહીં મળ્યાનો મનીષ સિસોદિયાનો દાવો કર્યો હતો. સમગ્ર મામલે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી, સીએમ કેજરિવાલ તથા મનિષ સિસોદિયા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.