નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીનો સપાટોઃ હેરાલ્ડ હાઉસ સહિત અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યાં
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે દિલ્હીના હેરાલ્ડ હાઉસ પર દરોડા પાડ્યા હતા. EDએ દસ્તાવેજોની શોધમાં નેશનલ હેરાલ્ડના સ્થળો પર દરોડા પાડ્યા. આ દરમિયાન 10 જનપથ પર થયેલી મીટિંગના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત 10 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડીએ એકાઉન્ટ વિભાગના બે જૂના અધિકારીઓની પ્રાથમિક પૂછપરછ કરી હતી. તેમને હેરાલ્ડ હાઉસમાં 2010 થી 2015 સુધીના હિસાબો વિશે પૂછવામાં આવ્યું હતું. તે જ સમયે, ટીમ એકાઉન્ટ વિભાગ કોંગ્રેસની લોન ધરાવતી ફાઇલ શોધી રહી છે.
દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે મોંઘવારી અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે પોસ્ટમાં કહ્યું કે, ન તો અમે ડરીએ છીએ અને ન તો ડરીશું. દેશ બેરોજગારીની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, કરોડો પરિવારો પાસે સ્થિર આવકનું કોઈ સાધન નથી. પરંતુ સરકાર માત્ર ‘અહંકારી રાજા’ની છબીને ચમકાવવા માટે અબજો રૂપિયા ખર્ચી રહી છે.
આ પહેલા 27 જુલાઈએ EDએ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની લગભગ 11 કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ 3 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન EDએ સોનિયા ગાંધીને હેરાલ્ડ સાથે જોડાયેલા 40 થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા. સોનિયા પહેલા EDએ પણ રાહુલ ગાંધીની 50 કલાકથી વધુ પૂછપરછ કરી છે.