Site icon Revoi.in

લીકર પોલીસી કેસમાં મને ફસાવવા માટે ED એ સહ-આરોપીઓ ઉપર નિવેદન માટે દબાણ કર્યુઃ કેજરિવાલ

Social Share

નવી દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને પડકારતી EDની અરજી પર હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આમાં દિલ્હીના સીએમએ કહ્યું કે, ED તેમની વિરુદ્ધ દુર્ભાવનાથી કામ કરી રહી છે. આ કેસમાં તેમના જામીન રદ કરવા તેમની સાથે અન્યાય થશે.

અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે, “ઇડીએ સહ-આરોપીઓ પર આ કેસમાં તેમને ફસાવવા માટે નિવેદન આપવા માટે દબાણ કર્યું છે.” ઇચ્છિત નિવેદન આપવાના બદલામાં, ઇડીએ સહ-આરોપીની જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો.

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે તેમના જવાબમાં EDની દલીલનો વિરોધ કર્યો હતો કે, તેમને મંતવ્યો રજૂ કરવાની તક મળી નથી. તેમણે કહ્યું, “જામીન આપવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ સંપૂર્ણપણે સાચો છે. ન્યાયાધીશે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આદેશ આપ્યો છે. આ વિરુદ્ધ EDની અરજીમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ કોર્ટ પ્રત્યે અનાદર દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને તેમને જામીન આપ્યા હતા. તેની સામે બીજા જ દિવસે ED હાઈકોર્ટમાં પહોંચી હતી. હાઈકોર્ટે તેમની મુક્તિ પર રોક લગાવી દીધી હતી. હાલ સીએમ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ પછી સીબીઆઈએ 26 જૂને તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં સીએમ કેજરીવાલે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે આ કેસમાં 5 જુલાઈએ નોટિસ જારી કરી હતી અને સુનાવણીની આગામી તારીખ 17 જુલાઈ નક્કી કરી હતી.