લખનૌઃ બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી અને તેમના સંબંધીઓના નિવાસસ્થાન ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન લગભગ 100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લખનૌ, દિલ્હી અને ગાઝીપુરમાં અંસારી અને તેના સંબંધીઓના 11 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. અંસારીના સાંસદ ભાઈ અફઝાલ અંસારીના સરકારી નિવાસસ્થાન ઉપર પણ ઈડીની ટીમ પહોંચી હતી. જ્યારે ગાઝીપુરમાં અંસારીના ખાનદાની નિવાસસ્થાન ઉપર પણ તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વિક્રમ અગ્રહરી, ગણેશ દત્ત મિશ્રા અને બાબા બસ સર્વિસના માલિક મુસ્તાક ખાનના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી.
એક સાથે લગભગ 11 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડીને મોડી રાત સુધી તપાસ કરી હતી. ઈડીની તપાસમાં અંસારી સાથે જોડાયેલી 100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. ઈડીની તપાસમાં અંસારી સાથે જોડાયેલા જાણીતા બિલ્ડરોના નામ પણ સામે આવ્યાં હતા. ઈડીની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
(Photo-File)