દિલ્હીના CM કેજરિવાલને EDએ વધુ એક સમન્સ પાઠવ્યું, 19મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યાં
નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત દારુ કૌભાંડ અને મની લોન્ડિંગ કેસની તપાસ કરી રહી છે અને આ મામલે ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિતના આગેવાનો સામે કાર્યવાહી કરી છે. દરમિયાન ઈડીએ આ પ્રકરણની તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ સામે તપાસ શરુ કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ ઈડીએ અગાઉ પાંચ વખત સમન્સ પાઠવ્યા હતા. જો કે, તેઓ કોઈ પણ કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતી. હવે ઈડીએ વધુ એક સમન્સ પાઠવ્યું છે અને 19મી ફેબ્રુઆરીના રોજ પૂછપરછ માટે બોલાવ્યાં છે.
EDએ કેજરીવાલને 2 નવેમ્બર, 21મી ડિસેમ્બર, 3 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ સમન્સ મોકલ્યા હતા, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી હાજર થયા ન હતા. અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું હતું કે, કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને તેમના જવાબમાં પૂછ્યું હતું કે જો તેઓ એક્સાઇઝ પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી નથી, તો પછી શા માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. અરવિંદ કેજરિવાર ઉપસ્થિત નહીં થતા ઈડીએ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે સીએમ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. જેમાં તેમને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેન્દ્રીય એજન્સીના સમન્સનું પાલન ન કરવા બદલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રીને પાંચ સમન્સ મોકલ્યા હતા પરંતુ કેજરીવાલ હાજર થયા ન હતા. જે બાદ તપાસ એજન્સીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.