નવી દિલ્હી: EDએ ઝારખંડના સીએમ હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ઝારખંડના સીએમ હેમંત સોરેન સ્થળ પર જોવા મળ્યા ન હતા, પરંતુ EDની ટીમે બંગલામાંથી મોટી માત્રામાં રોકડ જપ્ત કરી હતી. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હેમંત સોરેનના બંગલામાંથી 36 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, તેની સાથે બે લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ દિલ્હીમાં હેમંત સોરેનના બંગલામાં EDએ દરોડા પાડ્યા અને લગભગ 13 કલાક સુધી EDની ટીમ બંગલામાં તપાસ કરી હતી. ઝારખંડમાં જમીન કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે EDની ટીમ હેમંત સોરેનના બંગલે પહોંચી હતી. રોકડની સાથે, EDએ બંગલામાંથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે હરિયાણાની BMW કાર અને અન્ય કાર પણ રિકવર કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, હેમંત સોરેને EDને જણાવ્યું છે કે તેઓ બુધવારે તેમના રાંચીના નિવાસસ્થાને મળશે. જમીન કૌભાંડમાં પૂછપરછ માટે EDએ હેમંત સોરેનને અનેક વખત સમન્સ જારી કર્યા છે. જો કે, અનેક સમન્સ જારી થયા બાદ પણ હેમંત સોરેન ED સમક્ષ હાજર થયા ન હતા.
તાજેતરમાં, EDની ટીમે હેમંત સોરેનની રાંચીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ પછી, EDએ ફરીથી સમન્સ જારી કરીને તેને 29 અથવા 30 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. શનિવારે હેમંત સોરેનના દિલ્હી આગમનની માહિતી સામે આવી હતી, ત્યારપછી EDની ટીમ હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે દિલ્હીમાં તેના ઘરે પહોંચી હતી, પરંતુ હેમંત સોરેન ત્યાં પણ મળ્યો નહોતો.