- ફેમા હેઠળ ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ
- મની લોન્ડરિંગની કથિત પ્રવૃત્તિને લઈને કરાઈ કાર્યવાહી
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા દેશભરમાં મની લોન્ડરિંગની કથિત પ્રવૃત્તિઓને લઈને દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ આ વિક્રેતાઓ સાથે સંબંધિત ઓછામાં ઓછા 15 થી 16 સ્થળો પર દરોડા પાડ્યા.
સુત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની તપાસના ભાગરૂપે ઈ-કોમર્સ જાયન્ટ્સ પર બિઝનેસ કરતા કેટલાક વિક્રેતાઓ સામે દરોડા પાડ્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેપાર કરતા કેટલાક “પસંદગીના” વિક્રેતાઓના નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત છે. ફેમા હેઠળ હાથ ધરવામાં આવેલી આ તપાસના સંદર્ભમાં, દિલ્હી, ગુરુગ્રામ (હરિયાણા), હૈદરાબાદ (તેલંગાણા) અને બેંગલુરુ (કર્ણાટક)માં અનેક સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.
વાસ્તવમાં, કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાના અવિશ્વાસની તપાસમાં જાણવા મળ્યું છે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ એ પસંદગીના વિક્રેતાઓને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપીને, અમુક લિસ્ટિંગને પ્રાધાન્ય આપીને અને ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરીને સ્થાનિક સ્પર્ધાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે અન્ય કંપનીઓને નુકસાન થયું છે.
ઈડી, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મના સંભવિત દુરુપયોગની તપાસ કરી રહી છે, જે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારમાં સામેલ હોઈ શકે છે. મોટાભાગે ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓમાં પણ સામેલ થવાની સંભાવના છે.