Site icon Revoi.in

EDના દરોડા : મુંબઈમાં બુલિયન કંપનીના ગુપ્ત લોકરમાંથી 21 મણ સોનું-ચાંદી ઝડપાયું

Social Share

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મુંબઈની બુલિયન કંપનીના ગુપ્ત લોકર્સની તપાસ કરી હતી. લોકરમાંથી સોના અને ચાંદીનો ખજાનો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઈડીએ તપાસ દરમિયાન લોકરમાંથી રૂ. 47 કરોડથી વધુની કિંમતનું સોનુ અને ચાંદી જપ્ત કર્યું હતું. દરોડામાં લગભગ 21 મણ સોનું-ચાંદી મળી આવ્યું હોવાનું જાણવા મળે છે.

કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર એક કેસની તપાસ અંગે મુંબઈની બુલિયન કંપનીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. કંપનીના ગુપ્ત લોકરની ખોલીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. લોકર ઓપરેશન યોગ્ય નિયમોનું પાલન કર્યા વિના કરવામાં આવી રહ્યું છે. કોઈ કેવાયસીનું પાલન કરવામાં આવ્યું ન હતું અને પરિસરમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા, તેમજ રજિસ્ટર પણ નહોતું.

આ પરિસરમાં 761 લોકર હતા, જેમાંથી ત્રણ લોકર બુલિયન કંપનીના હતા. બે લોકરમાંથી 91.5 કિલો સોનું (બાર) અને 152 કિલો ચાંદી મળી આવી હતી. આ ઉપરાંત અન્ય 188 કિલો ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સોના-ચાંદીની કુલ કિંમત ₹47.76 કરોડ જેટલી છે.

એક એલ્યુમિનિયમ કંપની સામે મની લોન્ડરિંગનો કેસ માર્ચ, 2018માં થયો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કંપનીએ “બેંકો સાથે છેતરપિંડી કરી હતી અને ₹2,296.58 કરોડની લોન લીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો હતો કે, ત્યારબાદ “વિવિધ કંપનીઓ દ્વારા લેયરિંગ કરીને આ નાણાંની હેરાફેરી કરવામાં આવી હતી. આ પહેલા ઈડીએ 2019માં ₹205 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી હતી.