બાયજુસના CEO રવીન્દ્રનની ઓફિસ અને ઘર પર EDના દરોડા,ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કર્યા જપ્ત
- બાયજુસના CEO ની ઓફિસ અને ઘર પર EDના દરોડા
- ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કર્યા જપ્ત
દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કહ્યું કે તેણે બેંગલુરુમાં એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બાયજુસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રવીન્દ્રન બાયજુસની ઓફિસ અને રહેણાંક જગ્યા પર દરોડા પાડ્યા અને ત્યાંથી “ગુનાહિત” દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા. ED એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA) ની જોગવાઈઓ હેઠળ તાજેતરમાં કુલ ત્રણ જગ્યાઓ – બે વ્યવસાય અને એક રહેણાંક પર દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ એજન્સીએ કહ્યું કે તેણે વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા છે. EDએ કહ્યું કે કેટલાક લોકો પાસેથી મળેલી “વિવિધ ફરિયાદો”ના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે રવીન્દ્રન બાયજુસને “કેટલાક” સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે “ટાળતા રહ્યા અને ક્યારેય ED સમક્ષ હાજર થયા ન હતા”.
શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે રવીન્દ્રન બાયજુસની કંપની ‘થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ’ને 2011 થી 2023 દરમિયાન સીધા વિદેશી રોકાણ (FDI) હેઠળ લગભગ 28,000 કરોડ રૂપિયા મળ્યા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે, “કંપનીએ આ સમયગાળા દરમિયાન વિદેશી સીધા રોકાણના નામે વિવિધ વિદેશી સત્તાવાળાઓને લગભગ રૂ. 9,754 કરોડ પણ મોકલ્યા હતા”.
ઉલ્લેખનીય છે કે, રવીન્દ્રનએ 2011માં થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી. મીડિયા રિપોર્ટ અનુસાર, થિંક એન્ડ લર્ન કંપનીએ જુલાઈ મહિનામાં કુલ 15 કરોડ ડોલર (1,035 કરોડ રૂપિયા)નું ગંજાવર ફંડિંગ મેળવ્યું હતું.