ચેન્નાઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના ભૂતપૂર્વ કાર્યકર્તા જાફર સાદિક અને અન્યો વિરુદ્ધ ડ્રગ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે તમિલનાડુના ઘણા શહેરોમાં દરોડા પાડ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, ડિરેક્ટોરેટના અધિકારીઓ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો સાથે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ રાજ્યની રાજધાની ચેન્નાઈ, મદુરાઈ અને તિરુચિરાપલ્લીમાં 25 જગ્યાઓની તપાસ કરાઈ હતી. તેમણે કહ્યું કે, સાદિક, ફિલ્મ નિર્દેશક અમીર અને કેટલાક અન્ય લોકોના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાદિક તમિલ ફિલ્મોના નિર્માતા પણ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગયા મહિને સાદિકની આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર ગેંગની તપાસના સંબંધમાં ધરપકડ કરી હતી. તેની 3,500 કિલો ‘સ્યુડોફેડ્રિન’ની દાણચોરીમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેની બજાર કિંમત રૂ. 2,000 કરોડથી વધુ છે.
‘સ્યુડોફેડ્રિન’ એક રસાયણ છે જેનો ઉપયોગ માદક દ્રવ્યો બનાવવામાં થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસ અને એનસીબીની કેટલીક અન્ય એફઆઈઆરની નોંધ લીધા પછી સાદિક અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. NCBએ કહ્યું કે સાદિકના તામિલ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કનેક્શન છે. તેમણે કહ્યું કે કેટલાક ‘હાઈ પ્રોફાઈલ’ લોકો તેમજ રાજકીય ધિરાણના કેટલાક કેસ એજન્સીના સ્કેનર હેઠળ છે. સાદિકને ફેબ્રુઆરીમાં શાસક ડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.