નવી દિલ્હી: ઈડીએ ઈન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને તેમના સહયોગીઓના પરિસરો પર દરોડાની કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યુ છે કે ઈડીએહરિયાણામાં એક કોંગ્રેસી ધારાસભ્ય અને એક ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાનની તલાશી દરમિયાન 100થી વધુ દારની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડ, ગેરકાયદેસર વિદેશી હથિયાર અને લગભગ 300 કારતૂસ જપ્ત કર્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ હરિયાણાના યમુનાનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં ગુરુવારે ભતૂપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને સોનીપતથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની સામે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે દિલબાગસિંહ અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા પરિસરોમાંથી લગભગ પાંચ કરોડ રૂપિયા રોકડ, ગેરકાયદેસર વિદેશ નિર્મિત શસ્ત્રો, લગભગ 300 કારતૂસ, 100થી વધુ દારૂની બોટલો, ચાર-પાંચ કિલોગ્રામ સોનું અને ભારત તથા વિદેશોમાં મિલ્કતો સંબંધિત દસ્તાવેજોને જપ્ત કર્યા છે. કેટલાક સ્થાનો પર તલાશી ચાલુ છે.
પીએમએલએની જોગવાઈઓ હેઠળ યમુનાનગર, સોનીપત મોહાલી, ફરીદાબાદ, ચંદીગઢ અને કરનાલમાં બંને નેતાઓ અને સંબંધિત એકમોના લગભગ 20 પરિસરો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. મની લોન્ડ્રિંગનો આ મામલો ગત દિવસોમાં યમુનાનગર અને આસપાસના જિલ્લાઓમાં થયેલા ગેરકાયદેસર માઈનિંગની તપાસ માટે નોંધવામાં આવેલી હરિયાણા પોલીસની ઘણી એફઆઈઆરથી સામે આવ્યો છે. આ એફઆઈઆર પટ્ટો સમાપ્ત થવા અને અદાલતના આદેશ બાદ પણ થયેલા પથ્થર, રેતીના ગેરકાયદેસર માઈનિંગની તપાસ માટે નોંધવામાં આવી હતી.