Site icon Revoi.in

મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ઈડીએ સમન્સ પાઠવ્યું

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી EDએ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રિપોર્ટ અનુસાર, તેમને ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ED એ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, EDએ વર્ષ 2022માં JKCAમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અંગે ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલો જમ્મુ અને કાશ્મીર ક્રિકેટના ભંડોળના દુરુપયોગ સાથે સંબંધિત છે. આ ફંડ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સહિત ઘણા લોકોએ તેમના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યું હતું. સીબીઆઈ દ્વારા JKCA અધિકારીઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે ઈડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર JKCA પ્રમુખ તરીકેના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ફારુક અબ્દુલ્લા 2001 થી 2012 સુધી JKCA ના પ્રમુખ હતા. ઈડી અને સીબીઆઈ બંને તેમની સામેના આરોપોની તપાસ કરી રહી છે. અગાઉ, EDએ JKCAમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ફારુક અબ્દુલ્લાને મે 2022માં દિલ્હીમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું.