Site icon Revoi.in

ઈડરના રાજ મહેલમાં ખજાનો શોધવા અસામાજિક તત્વો કરી તોડફોડ

Social Share

હિમમતનગરઃ ઈડર શહેર ઐતિહાસિક છે.  ઈડરિયા ગઢ પર આવેલા ઐતિહાસિક રાજમહેલમાં કોઈ અસામાજિક તત્ત્વોએ ભારે તોડફોડ કરી લોખંડની વજનદાર ગડર ઉઠાવી ગયાનું ધ્યાને આવતાં રાજપૂત સમાજ સહિત પુરાતત્વવિદોએ ભારે વિરોધ કર્યો છે. લૂખ્ખા તત્વોએ દોલત વિલાસ પેલેસ મહેલની જમીનમાંથી હીરા-ઝવેરાત કે કોઈ મોટો દલ્લો મળવાની આશાએ ખોદકામ કરી ભોંયતળિયાને પણ મોટું નુકશાન પહોંચાડ્યું હતુ. ઐતિહાસિક ધરોહરની ગરિમાને આ પ્રકારે નુકસાન પહોંચાડનારા લુખ્ખા તત્ત્વો સામે આકરી કાર્યવાહીની માગ ઉઠી છે.

ઈડરની આન-બાન અને સાન સમા ગઢ પર આવેલો ઐતિહાસિક દોલત વિલાસ પેલેસ હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. પેલેસને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે જ અહીં અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર પણ વધી હતી. આ તત્ત્વો ઘણીવાર એકલદોકલ પ્રવાસીઓને હેરાન-પરેશાન કરતાં હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. અગાઉ પેલેસના બારી બારણાં ચોરાતાં અને કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ગંધ રાજપૂત સમાજને આવી જતાં દરવાજા બંધ કરી દેવાયા હતા. તેમ છતાં ધરોહરની ગરિમાને લાંછન લગાવનારા તત્ત્વોએ અન્ય રસ્તો શોધી કાઢી પેલેસમાં અવરજવર વધારી દીધી હતી. અહીં પેલેસની દીવાલોને પણ કાળા કોલસાથી પ્રેમલા-પ્રેમલીના ચિતરામણ થકી ગંદી કરી મુકી છે.

અસામાજિક અને લુખ્ખા તત્ત્વોએ ફરીવાર પેલેસને નિશાન બનાવતાં રાજપૂત સમાજ સહિત જિલ્લાની પ્રજામાં રોષ ભભુકી ઉઠ્યો છે. આ તત્ત્વોએ પેલેસની છતની દીવાલમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડયું છે. ઉપરાંત ખજાનાની શોધમાં ભોંયતળિયામાં ખોદકામ કરી તળિયાને પણ નુકસાન પહોંચાડ્યું છે. સાથે જ લોખંડની વજનદાર ગડર પણ ઉઠાવી ગયાનું પણ ધ્યાને આવ્યું છે. ઐતિહાસિક ધરોહર સમા મહેલને નુકસાન થયાની બાબત સામે આવ્યા બાદ ક્ષત્રિય હિતકારીણી સભાના આગેવાનોએ મહેલમાં જઈ તપાસ હાથ ધરવા સાથે પોલીસ ફરિયાદ માટે પણ તજવીજ હાથ ધરી છે.  ઈડરિયા ગઢ પર પોલીસ પોઇન્ટ મૂકવાની માગ સાથે રાજપૂત સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, અહીં આખો દિવસ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર રહે છે. આવા તત્ત્વો એકલદોકલ પ્રવાસી કે કપલને હેરાન પરેશાન કરતા હોય છે. સાંજે છ વાગ્યા બાદ અહીં ચરસ-ગાંજો વેચનારા અને બંધાણીઓની પણ મહેફિલો જામે છે. ગઢની તળેટીમાં ખુલ્લેઆમ કોઈ રોકટોક વિના જુગાર રમવાની પ્રવૃત્તિ પણ ચાલી રહી છે.

રાજમહેલમાં ચોરી અને નુકશાનની બાબત સામે આવ્યા બાદ રાજપૂત સમાજના રણવિજયસિંહ ગોપીબાપુ, કિરીટસિંહ અને રાજુ ગુજર સહિતના આગેવાનો ગઢ પર દોડી ગયા હતાં. જેમાં ઈન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે, લુખ્ખા તત્ત્વોએ મહેલની છત અને ભોંયતળિયાને મોટુ નુકશાન પહોંચાડયું છે. વજનદાર ગડરો પણ ચોરી ગયા છે. પોલીસે સત્વરે ગઢની ગરીમાને નુકશાન પહોંચાડનાર તત્ત્વોને શોધી આકરી કાર્યવાહી કરે તેવી માગ કરી છે,