નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ભારતની ખાદ્યતેલોની આયાત વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને 10,64,499 ટન થઈ છે. ખાદ્ય તેલની આયાતમાં આ ઘટાડો ક્રૂડ અને રિફાઈન્ડ પામ ઓઈલની ઓછી આયાતને કારણે થયો છે. ગયા વર્ષે આ જ મહિનામાં ખાદ્યતેલોની આયાત 14,94,086 ટન હતી. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ સપ્ટેમ્બર માટે વનસ્પતિ તેલ (ખાદ્ય અને અખાદ્ય બંને)ના આયાત ડેટા જાહેર કર્યા હતા. સપ્ટેમ્બરમાં બિન-ખાદ્ય તેલની આયાત વાર્ષિક ધોરણે 57,940 ટનથી ઘટીને 22,990 ટન થઈ છે. ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં વનસ્પતિ તેલની આયાત 30 ટકા ઘટીને 10,87,489 ટન થઈ છે જે એક વર્ષ અગાઉ 15,52,026 ટન હતી.
SEA ડેટા અનુસાર, ખાદ્ય તેલ કેટેગરીમાં ક્રૂડ પામ ઓઈલની આયાત આ વર્ષે સપ્ટેમ્બરમાં ઘટીને 4,32,510 ટન થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 7,05,643 ટન હતી. બીજી તરફ રિફાઈન્ડ પામ ઓઈલની આયાત 1,28,954 ટનથી ઘટીને 84,279 ટન થઈ છે. ક્રૂડ સનફ્લાવર ઓઈલની આયાત પણ 3,00,732 ટનથી ઘટીને 1,52,803 ટન થઈ છે.
SEA એ જુલાઈ-ઓગસ્ટ દરમિયાન વધારાની આયાત અને માંગના અભાવને કારણે આયાતમાં ઘટાડાનું કારણ આપ્યું હતું. આવી સ્થિતિમાં બંદરો પર સ્ટોક વધ્યો હતો. આ ઉપરાંત ભાવની વધઘટને કારણે આયાતકારો સાવધ બન્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ડિમાન્ડ ઘટી હોવાથી બિઝનેસમેન નવો સ્ટોક ઓર્ડર કરવાનું ટાળી રહ્યા છે. હાલમાં તહેવારોમાં આયાતમાં ઘટાડો અને માંગ વધવાને કારણે ભાવમાં રાહતની આશા ઓછી છે.