અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કપાસીયા તેલનો ડબ્બો 2000 તથા પામોલીનનો ડબ્બે 1900 ને વટાવી ગયો છે. ગરીબ વર્ગ માટે કોઈપણ ખાદ્યતેલ દોહ્યલુ બની જવાની સ્થિતિ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બે-ચાર દિવસ સ્થિર કે ઘટાડો સુચવાયા બાદ ખાદ્યતેલોમાં ફરી તેજીનો ભડકો થયો છે. વિશ્ર્વબજારમાં તથા વાયદામાર્કેટમાં ખાદ્યતેલોમાં મોટો ભાવવધારો થયો હતો. ખાદ્યતેલ પામોલીનના ડબ્બાનો ભાવ પણ 1910 પર પહોંચ્યો છે. કપાસીયા તેલ નવા ડબ્બાનો ભાવ 50 રૂપિયાના વધારાથી રૂ. 2030 થયો હતો. સીંગતેલનો ડબ્બો 2500એ પહોંચ્યો છે. આવી જ રીતે સનફ્લાવર, મકાઈ, સોયાબીન, દિવેલ સહિતના અન્ય તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે મધ્યમ વર્ગની મુશ્કેલી વધી છે. તેમજ ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. ખાદ્યતેલના વધી રહેલા ભાવનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો.