દેશમાં એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 40 ટકા જેટલો વધારો
દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યાં છે. બીજી તરફ છેલ્લા એક વર્ષના સમયગાળામાં સિંગતેલના ભાવમાં 40 ટકાથી વધારેનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ભારતમાં પણ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં થઈ રહેલા વધારાના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપેલા ડેટા મુજબ ગત વર્ષે 10મી માર્ચે સીંગતેલનાનો સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂ.120 હતો જ્યારે આ વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ 170 રૂપિયા હતો. એ જ રીતે સરસવના તેલના સરેરાશ ભાવમાં પણ આશરે 20 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂ. 120 છે, જ્યારે આ વર્ષે તે લિટર દીઠ રૂ. 142 છે. આ ઉપરાંત દેશભરમાં પામતેલનો સરેરાશ ભાવ એક વર્ષમાં 85 રૂપિયાથી લિટર દીઠ 125 રૂપિયા થઈ ગયો છે.
ખાદ્યતેલના વ્યાપાર સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થયો છે. જેથી ભારતમાં પણ ભાવમાં વધારો થયો છે. ચીન આંતરરાષ્ટ્રીય બજારમાંથી પણ ખાદ્યતેલ મોટા પાયે ખરીદી રહ્યું છે, જેના કારણે કિંમતોમાં વધારો થયો છે.