Site icon Revoi.in

EDUCATION: ધો-12ના વિદ્યાર્થીના મેડિકલ સહિતના 4 કોર્સમાં તો NEET આધારિત જ એડમિશન થશે

Social Share

અમદાવાદ : કોરોનામાં શૈક્ષણિક કાર્યને યથાવત રાખવું તે સરકાર માટે તો મુશ્કેલ બન્યું જ છે પરંતુ નવા કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કેવી રીતે મેનેજ કરવા તે પણ થોડુ તો કપરૂ બન્યું જ છે. આવામાં મહત્વના સમાચાર ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે આવી રહ્યા છે જેમાં હવે ધો-12ના વિદ્યાર્થીને મેડિકલ સહિતના 4 કોર્સમાં તો NEET આધારિત જ એડમિશન મળશે.

કોરોનાકાળના આ વર્ષમાં ધો.૧૨ની સીબીએસઈ અને ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષા રદ કરી છે તેના કારણે એડમિશન કેવી રીતે થશે તેની વાલીઓમાં ચિંતા પેઠી છે. મેડિકલને લાગે-વળગે છે ત્યાં સુધી વાંધો નહીં આવે. કેમકે મેડિકલના ચાર કોર્સ એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથીમાં NEET આધારિત એડમિશન થાય છે.

ગુજરાતની મેડિકલ એડમિશન કમિટીના મેમ્બર ડો.અશોક નિર્વાણે વર્તમાન સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ કહ્યું કે આ વર્ષે ધો.12માં પરીક્ષા નથી તેના કારણે હાલમાં તો બધા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ ગણાય. પરંતુ મેડિકલમાં NEET લેવાનાર છે જેથી તેના માર્ક પર જ એડમિશન આપવામાં આવશે. એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથીમાં નીટ બેઝ જ એડમિશન થશે.

NEET પહેલી ઓગસ્ટના રોજ લેવાનું જાહેર થયું છે. જેથી NEETના માર્કના આધારે મેરિટ બનશે અને એડમિશન થશે. મેડિકલમાં એડમિશન માટેની લઘુત્તમ લાયકાત ધો.12માં 50 ટકાની છે. લઘુત્તમ લાયકાતનો પ્રશ્ન માત્ર ગુજરાતનો નથી, દેશના તમામ રાજ્યોના શિક્ષણ બોર્ડનો છે. જેથી નેશનલ મેડિકલ કમિશન કોઈ છૂટછાટ આપે તેવી શક્યતા છે.

મેડિકલ એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી ડો.દિક્ષિતે કહ્યું કે મેડિકલના એડમિશન NEET આધારે થશે. લઘુત્તમ લાયકાત ૫૦ ટકા અંગે શું કરશો ? તેના જવાબમાં તેમણે કહ્યું કે ધો.12માં શું ફોર્મ્યુલા આવે છે તેના આધારે નિર્ણય કરીશું. કેમકે ધો.12માં 50 ટકા હોવા તે માત્ર ગુજરાતનો નહીં, દેશના દરેક રાજ્યનો કોમન પ્રશ્ન છે. અમે નેશનલ મેડિકલ કમિશનને આ અંગે પૂછીશું.

મેડિકલમાં એડમિશન કેવી રીતે થાય છે તો  એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથીમાં નીટ આધારિત એડમિશન થાય છે અને NEETમાં જેટલા માર્ક આવે તેના આધારે મેરિટ બને છે અને બાદમાં એડમિશન ફાળવાય છે.  મેડિકલમાં એડમિશન માટે લઘુત્તમ લાયકાત ધો.12 સાયન્સમાં બી ગ્રુપ સાથે 50 ટકા હોવા જરૂરી છે.  એમબીબીએસમાં 5500 સીટ સામે ગત વર્ષે મેરિટમાં 22500 વિદ્યાર્થીઓ હતા મેડિકલમાં કોર્સવાઈઝ એમબીબીએસ માટે 5500 સીટ, ડેન્ટલ માટે 1215, આયુર્વેદ માટે 2800 અને હોમિયોપથી માટે 3200 છે.