Site icon Revoi.in

શાળામાં મોડા આવતા અને ગુલ્લી મારતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં  કાયમ અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે  અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. ઉપરાંત ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે. કેટલાક શિક્ષકો શાળાએ આવ્યા બાદ ગુલ્લી મારીને જતા રહેતા હોય છે. ત્યારે તાલુકા શિક્ષણાધિકારીઓને પણ શાળાઓની ઓચિંતી મુલાકાતો લેવાનું સુચન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે. આવતીકાલે 12મી જાન્યુઆરીના બપોરના 1 કલાક સુધી તમામ પ્રાથમિક શાળાના આચાર્યએ માહિતી આપવાની રહેશે. ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે. પ્રાથમિક શિક્ષણના નાયબ શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું કે, રાજ્યની તમામ સરકારી-ગ્રાન્ડેટ પ્રાથમિક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન અનિયમિતતા, બેદરકારી, ગેરવર્તણૂંક કે અન્ય કોઈ પણ પ્રકારની ક્ષતિ/ફરિયાદ બાબતે આપવામાં આવેલી કારણદર્શક નોટિસ અન્વયે તેઓ દ્વારા ખુલાસો રજૂ ન કરવામા આવ્યો હોય અથવા તેઓનો ખુલાસો ગ્રાહ્ય ન રાખવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં પડતર રહેલી કાર્યવાહીની વિગતો નિયત પત્રકમાં માહિતી ભરી કચેરીમાં મોકલી આપવા જણાવાયું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતની શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. સરકાર દ્વારા સરકારી શાળાઓ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ધકેલપંચે ચાલતી સરકારી શાળાઓને મોડેલ સ્કૂલ બનાવવા સરકારે કમર કસી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુજરાતમાં શિક્ષણની કથળેલી શિક્ષણ સ્થિતિનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે હવે સરકાર આ છબી બદલવાનો પ્રયાસ કરી રહી છે. નવી શિક્ષણ નીતિ હવે ધીમે ધીમે લાગુ કરવામાં આવી રહી છે ત્યારે તેમાં ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ ડે તરીકે શરૂ કરવાનું રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને સંભવત આ બેગલેસ ડે સિસ્ટમ નવા વર્ષ એટલે કે જાન્યુઆરી-2023થી જ શાળાઓમાં લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓ 10 દિવસ સ્કુલ બેગ લીધા વિના શાળાએ આવશે અને આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. (file photo)