કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય: મંત્રી બળવંતસિંહ રાજપૂત
અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં 45 જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે. શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સારા અને યોગ્ય શિક્ષણ આપણાં ભવિષ્યને આકાર આપવા અને વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં અને કુટુંબ અને સમાજમાં માન્યતા અને આદર મેળવવા માટે મદદ કરે છે. આપણે કહી શકીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક ભાગ છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં 100 ટકા નામાંકનનું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. સમગ્ર રાજ્યમાં તા.12 અને 13ના દિવસો દરમ્યાન યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીને શાળામાં અચાનક આવેલા જોઇને શિક્ષકો, બાળકો અને વાલીઓએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગોલથરા પ્રાથમિક શાળામાં પ્રતિકરૂપે બે બાળકોને ધોરણ-1 અને બાલવાટિકામાં પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ અર્પણ કરી હતી. આ ગોલથરા અને લક્ષ્મીપૂરા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 95, આંગણવાડીમાં 24 અને ધોરણ-1માં 5 બાળકોનું પ્રવેશોત્સવ અન્વયે નામાંકન થયું છે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અન્વયે આ વર્ષે ધો-1 માં અંદાજે 2.30 લાખ અને બાલવાટિકામાં 9.77 લાખ મળી અંદાજે 12.7 લાખ બાળકોનો શાળા પ્રવેશ કરાવાશે.