ભિક્ષા નહીં શિક્ષાઃ સિગ્નલ સ્કૂલ બસમાં 130 બાળકો મેળવી રહ્યાં છે શિક્ષણ
અમદાવાદઃ રાજ્યમાં તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. શાળા પ્રવેશ મહોત્સવ સહિતના વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન અમદાવાદના શહેરના માર્ગો ઉપર ભીક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ શિક્ષણ મળી રહે તે માટે મનપા અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો અમલમાં મુકવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં હાલ 10 સિગ્નલ સ્કૂલ બસમાં શિક્ષકો દ્વારા 139 વિદ્યાર્થીઓને શિક્ષણ એટલે કે અક્ષરજ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તાઓ ઉપર ભીક્ષાવૃતિ કરતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સિગ્નલ સ્કૂલ બસ દોડવવામાં આવી રહી છે. પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારમાં 10 સિગ્નલ સ્કૂલ બસમાં બે-બે શિક્ષકો ગરીબ બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે. છેલ્લા એકાદ મહિનાથી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અરવિંદકુમાર, હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ આર.એમ.છાયા, મ્યુનિ કમિશનર લોચન સહેરા, સ્ટે. કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના આગેવાનોએ પકવાન ચાર રસ્તા ઉપર ચાલતી સિગ્નલ સ્કૂલની મુલાકાત લીધી હતી. બાળકોમાં શૈક્ષણિક પ્રવૃતિઓ, હાજરી અને ઉત્સાહ જોઈને મહાનુભાવો પણ પ્રભાવિત થયાં હતા. એટલું જ નહીં ઉનાળાના વેકેશનમાં પણ સવારના સમયે બાળકોને અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો હતો.
સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને 15મી જૂનના રોજ આરટીઈ હેઠળ વયકક્ષા અનુરૂપ કસોટી લઈને જે તે ધોરણમાં મેઈનસ્ટ્રીમમાં લાવવામાં આવશે. 15મી મેથી 30મી મે સુધી શહેરના વિવિધ ચાર રસ્તાઓ ઉપર સર્વે કરીને ભિક્ષાવૃતિ કરતા અન્ય બાળકોને પણ જૂનથી સિગ્નલ સ્કૂલમાં જોડીને ભિક્ષા નહીં શિક્ષા કાર્યક્રમ હેઠળ શિક્ષણ આપવામાં આવશે. 15મી જૂનથી શરૂ થનારી નવી બેચના બાળકોને 30મી જૂન સુધી સ્કૂલ રેડીનેષ પ્રોગ્રામ કરવાશે. જુલાઈથી એપ્રિલ 2023 સુધીના સમયગાળામાં બ્રીજકોર્ષ કરાવીને જૂન 2023થી જે તે ધોરણમાં બાળકોને મેઈનસ્ટ્રીમ કરાશે. સિગ્નલ સ્કૂલના બાળકો ધો-8 પાસ કરે તો પ્રશસ્તિપત્રની સાથે બોન્ડ આપવા, બાળકોને દત્તક લેવા અંગેની યોજના તેમજ ભવિષ્યમાં વધુમાં વધુ બાળકોને આ પ્રોગ્રામમાં આવરી લેવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.