દધીચિ. ઠાકર
લેખક વિશે :
બાળપણથી જ સાહિત્ય-સંગીત-નાટ્યકળાની રુચિના કારણે વાંચન-લેખન અને નાટ્યમંચનનો મહાવરો રહ્યો છે. આતંર- શાળાકીય કક્ષાએ, કોલેજ કક્ષાએ, યુથ ફેસ્ટિવલમાં વકૃત્વ- નિબંધલેખન-કાવ્યલેખન વગેરે સ્પર્ધાઓમાં ઈનામો પ્રાપ્ત કર્યા છે. 250થી વધારે સરકારી તેમજ બિનસરકારી કાર્યક્રમોનું સંચાલન કર્યું છે, જે કાર્યક્રમોની રજુઆત ગુજરાત તથા ભારતભરમાં થઈ છે. 6 પુસ્તકોનું લેખન અને સંપાદન પણ કર્યું છે, અનેકવિધ સામાજિક નાટકોનું લેખન- દિગ્દર્શન કરી અભિનયના અજવાળા પાંથર્યા. કલાકારોના પોતાના માસિક પત્ર, ‘કલાસંપુટ’માં 5 વર્ષ પત્રકાર તરીકે માનદ્ સેવાઓ આપી છે. વિવિધ સામાયિકોમાં અભ્યાસ લેખો , ગ્રંથાસ્વાદ તથા વ્યક્તિ વિશેષ વંદનાના લેખ પ્રાકાશિત થયા છે.
સમાજના વિવિધ ક્ષેત્રાના શ્રેષ્ઠીઓ તેમજ વિદ્વાનો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોમાં સન્માનો પણ પ્રાપ્ત થયાં છે.
વિચાર વલોણું: પરમ સમીપે – અલભ્ય પ્રાર્થનાઓનો સંપુટ
આજે આખું વિશ્વ કોરોનાની મહામારી સામે બાથ ભીડી રહ્યું છે. અનેક સાધનોની વિપુલતા હોવા છતાં બધા પાંગળા બનીને બેઠા છે. આ સમયમાં સૌ કોઈ વિશ્વનિયંતાના ચરણે વિધ – વિધ પ્રકારની, પોતાને આવડે તેમજ સૂઝે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રાર્થના થકી આપણને ઝંઝાવાતો સામે અડીખમ ઉભા રહેવાનું બળ પ્રાપ્ત થાય છે. આવા સમયમાં હમણાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી તેવા ગુજરાતી ભાષાના વરિષ્ઠ લેખિકા કુન્દનિકા બહેન કાપડીઆનું પુસ્તક ‘ પરમ સમીપે ‘ સાંભરે છે. જે પરમની સમીપે લઈ જાય તે પ્રાર્થના !
અંતરની વાણી શીર્ષક હેઠળ કુન્દનિકા બહેન નોંધે છે કે, ‘આમ,તો પ્રાર્થના એ અંતરતમનો અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે; પણ ક્યારેક ભાવો અને લાગણીઓને પોતાની અભિવ્યક્તિ માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે. એટલા માટે જ ઋષિઓ, સંતો, મહાન ભક્તો અને સામાન્ય જનો – સૌને કંઠેથી પરમાત્માને સીધી સંબોધતી વાણી ફૂટી છે. (પૃ – ૫)
અમેરિકાનાં લેખિકા હેલન સ્ટીનર રાઇસનાં પ્રભુપ્રેમનાં કાવ્યોનું પુસ્તક કુન્દનિકાબહેનના હાથમાં આવ્યું અને હૃદયમાં એક વિચાર જન્મ્યો કે આપણે ત્યાં પ્રાર્થનાનો ભાવ વ્યકત કરતા શ્લોકો, સ્તોત્રો, સ્તુતિઓ, કાવ્યરચનાઓ છે, પણ આ પ્રકારનો કોઈ સંગ્રહ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી અને આ વિચાર તેમના મનમાં આવ્યો અને તેના ફળ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું – ‘પરમ સમીપે’.
આ સંપાદનમાં કુલ પાંચ વિભાગમાં પ્રાર્થનાઓ વહેંચાયેલી છે. પ્રથમ વિભાગમાં વૈદિક – પૌરાણિક પ્રાર્થનાઓ છે. બીજા વિભાગમાં સંત જ્ઞાનેશ્વરથી ગુરુદયાળ મલ્લિક સુધીના પ્રસિધ્ધ સંતો – ભક્તોના ઉદગારો છે. ત્રીજા વિભાગમાં વિદેશી લેખકો – કવિઓનું ભાવમાધુર્ય છે. ચોથા તથા પાંચમા વિભાગમાં જે રચનાઓ છે તેમાં કેટલીક કુન્દનિકા બહેનનું મૌલિક સર્જન છે અને કેટલીક પ્રાર્થનાને લગતાં અલગ અલગ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા બાદ તેની છાયા હેઠળ રચાયેલી છે. પાંચમા વિભાગની રચનાઓ વિશેષ પરિસ્થિતિ, પ્રસંગ કે વ્યક્તિને અનુલક્ષીને છે.
પહેલા વિભાગની પહેલી પ્રાર્થના –
‘અસતો મા સદ્દગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મા અમૃતં ગમય. ‘ છે.
(હે પ્રભુ ! અસતમાંથી સત તરફ , અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી મને અમરતા તરફ લઈ જાઓ.)
સાથે સાથે બીજા વિભાગની એક પ્રાર્થના –
‘ હે પરમાત્મા,
મને તારી શાંતિનું વાહન બનાવ
જયાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું
જ્યાં ઘાવ છે ત્યાં ક્ષમા
જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા
જ્યાં હતાશા છે ત્યાં આશા
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ
જ્યાં શોક છે ત્યાં આનંદ …….’
– સંત ફ્રાન્સિસ (પૃ – 23)
સાચે જ હૃદયસ્પર્શી છે. પ્રત્યેક વિભાગ પૂર્ણ થાય ત્યારે સુંદર ચિત્ર અને વિચાર ટાંકવામાં આવ્યા છે. આ પુસ્તકની સૌથી સ્પર્શે તેવી બાબત એ છે કે આના સંકલન – સંપાદનમાં કુન્દનિકાબહેને ધર્મભેદ રાખ્યો નથી. વિશ્વભરની જે પ્રાર્થનાઓ તેમને યોગ્ય લાગી તેનો તેમણે આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. આ સર્વધર્મ સ્વીકારની ભાવના આપણી ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવે છે.
‘પરમ સમીપે’ની પ્રથમ આવૃત્તિ જયવદન તકતાવાલા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. આજ સુધીમાં તેની સોળ આવૃત્તિ, એક સંવર્ધિત આવૃત્તિ અને ત્રણ પુનમુદ્રણો નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ પુસ્તકમાંની 101 પ્રાર્થનાઓના વાંચનથી ગમે તેટલી વિષમ પરિસ્થિતિમાં , દુઃખના વાદળોની વચ્ચે, શોકમાંથી તેમજ હતાશાની સ્થિતિમાંથી બહાર આવવાનું બળ પ્રાપ્ત થશે તેની મને શ્રધ્ધા છે.
(પુસ્તકનું નામ :- પરમ સમીપે
લેખક – કુન્દનિકા કાપડીઆ
કિંમત – રૂ.100/- , પૃષ્ઠ – 160
પ્રથમ આવૃત્તિ – નવેમ્બર – 1982
પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર, પતાસા પોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380001)