ભાર સાથેનું ભણતર, હવે ધો. 1થી 10ના વિદ્યાર્થીઓને વધારાના 27 સાહિત્ય પણ ભણાવવામાં આવશે
અમદાવાદઃ ગુજરાતમાં નવા શિક્ષણ સત્રથી ધો.1થી 10માં વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકો ઉપરાંત જુદા જુદા પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય પણ ભણવું પડશે. આ જુદા જુદા 27 પ્રકારનું સાહિત્યથી વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર વધશે. આ સાહિત્યમાં લેખનપોથી, ચિત્રપોથી, વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ, એકમ કસોટી, નોટબુકથી લઈને શૈક્ષણિક કેલેન્ડર, શાળા સિદ્ધિ મોડ્યુલ, સ્કૂલ સેફ્ટી મોડ્યુલ, સંસ્કૃતિ પોકેટ ડાયરી વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાત શાળા શિક્ષણ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જારી કરાયો છે, જેમાં જણાવાયું છે કે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક સાહિત્યના વિતરણની હાલ કામગીરી ચાલી રહી છે. જેમાં ચિત્રપોથી, લેખનપોથી, ત્રણ નોટબુક, વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ,એકમ કસોટી નોટબુક, સ્વઅધ્યયન પોથી ભાગ એક થી બે જે ધો.6થી લઈને ધો.10 સુધી રહેશે અને તેમાં ધો.9માં સ્વઅધ્યયન પોથી 1 થી 6 આવશે જ્યારે ધોરણ 10માં પણ છ અધ્યયન પોથી રહેશે જ્યારે અન્ય ધોરણમાં અધ્યયન પોથીના બે ભાગ ભણાવવાના રહેશે.
આ ઉપરાંત સંસ્કૃત પોકેટ ડાયરી, સામાન્ય જ્ઞાન પુસ્તિકા સેટ, આઈ.ઈ.સી ડાયરી, નિપુણ લક્ષ્યવર્ગ, ખંડ પોસ્ટર જેમાં છ પોસ્ટરનો સેટ હશે, વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ, શૈક્ષણિક કેલેન્ડર, શાળા સિદ્ધિ મોડ્યુલ, સ્કૂલ સેફ્ટી મોડ્યુલ, સચિત્ર બાલપોથી, બીગ બુક સેટના એકથી આઠ ભાગ, પ્રારંભિક વાંચનવાળા સેટના એકથી 20 ભાગ, વાર્તાસંગ્રહ સેટના એક થી 12 ભાગ, ફ્લેશ કાર્ડ સેટ એકના 165 કાર્ડ, ફ્લેશ કાર્ડ સેટ 2 તેના પણ 165 કાર્ડ, ફ્લેશ કાર્ડ સેટ ત્રણ તેના 174 કાર્ડ, અને 20 ચાર્ટનો એક સેટ આવશે. આમ કુલ 27 જેટલી શૈક્ષણિક સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે જૂન 2024થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં કરાવવાની થશે અને તેનો ભાર આખરે તો શિક્ષકો પર જ આવશે.
ગુજરાત શાળા શિક્ષણ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી દ્વારા જારી કરેલા પરિપત્રમાં સરકારી શાળાઓને એવી પણ સુચના આપવામાં આવી છે. કે, તાલુકા કક્ષાએ બીઆરસી ભવન ખાતે આ તમામ સાહિત્ય મોકલી આપવામાં આવશે અને યોગ્ય ચકાસણી કરી સાહિત્ય સ્વીકારવાનું રહેશે. હાલ આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી કોઈ પણ સાહિત્ય શાળા કક્ષાએ વિતરણ કરવાનું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પર તો ભણતરનું ભારણ વધતું જાય છે. પણ સાથે શિક્ષકો પર પણ કામનું ભારણ વધતું જાય છે. હવે તો શિક્ષકોને વિદ્યાર્થીઓને લઈને અનેક પ્રકારના સરવે કરવાના હોય છે. ભણતા હોય કે શાળામાં દાખલ ન થયા હોય તેવા વિદ્યાર્થીઓના સરવે કરવાના હોય છે આ ઉપરાંત ચૂંટણીની કામગીરી,વસતી ગણતરી ઉપરાંત અન્ય કામગીરી પણ શિક્ષકો પાસેથી લેવામાં આવતી હોય છે.