ગુજરાત યુનિ.માં 1લી ઓક્ટોમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે પણ હજુ પ્રવેશની કાર્યવાહી પૂર્ણ કરાઈ નથી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થયા બાદ સરકારે 6થી 12ની શાળાઓ તેમજ કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપી છે. કોરોનાને લીધે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ છે. મોડી શરૂ થયેલી એડમિશન પ્રક્રિયા હજુ પણ કોઈ કારણથી ગૂંચવાઈ છે. NSUI એ પણ આક્ષેપ કર્યો છે કે ખાનગી યુનિવર્સિટીમાં જ્યાં સુધી એડમિશન પુરા ના થાય ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયા મોડી શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ UGC એ પણ 1 ઓકટોબરથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું જણાવ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન જ શરૂ થયા નથી તો 1 ઓકટોબર સુધી કેવી રીતે શિક્ષણ શરૂ કરવામાં આવશે. ગત વર્ષે પણ 7 રાઉન્ડ જાહેર કરવામાં આવ્યાં હતા ત્યારે બેઠક ભરાઈ હતી. ત્યારે આ વર્ષે એક પણ રાઉન્ડ શરૂ થયો નથી.દિવાળી સુધીમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતા છે.ધીમી ગતીએ ચાલી રહેલ ગુજરાત યુનિવર્સિટી અને તેની એડમિશન પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડશે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માટે 60 હજારથી વધુ બેઠક પર ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ ધોરણ 12ની વિગતો ના મળવાને કારણે પ્રક્રિયા મોડી હતી. બાદમાં લાંબા સમય સુધી માત્ર રજિસ્ટ્રેશન જ કરાવવામાં આવ્યું હતું જે બાદ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ હવે ફાઈનલ મેરિટ જાહેર થવાની હતું. તે અગાઉ જ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ બંધ છે. ગઈ કાલે સાંજે મેરીટ કહેર થવાનું તેની જગ્યાએ ગઈકાલથી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ બંધ હતી.જે હવે શરૂ કરાઈ છે.હજુ પણ ફાઈનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ પણ મોડી શરૂ થયેલા એડમિશન પ્રક્રિયાથી ચિંતામાં મુકાયા છે. કેટલાક વાલીઓ પોતાના બાળકોને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન ના મળવાના ડરથી જ ખાનગી યુનિવર્સિટીમાં મોંઘી ફી ભરીને એડમિશન મેળવી રહ્યા છે. આ વર્ષે માસ પ્રમોશનન કારણે વધુ વિદ્યાર્થી પાસ થયા છે પરંતુ એડમિશન પ્રકિયા મોડી શરૂ થવાને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં બેઠક ખાલી જ રહેશે.