અસરકારક કોવિડ વેક્સિનઃ ભારતમાં કોરોનાની રસી લેનારાઓ પૈકી 0.04 ટકા થયા સંક્રમિત
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો
- 10 હજાર વ્યક્તિઓએ માત્ર 2-4ને લાગ્યો ચેપ
- રસી SARS-CoV-2 વાઈરસના અનેક વેરિઅન્ટ્સ સામે પણ અસરકારક
દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં કોરોના અભિયાન તેજ બનાવાયું છે. દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થાએ રસીકરણ ઝુંબેશ કોરોનાને ચેપને વધારે ફેલતો અટકાવવામાં સફળ રહી હોવાનો દાવો કર્યો છે. તેમજ વેક્સિન લેનારાઓ પૈકી માત્ર 0.04 ટકા જ સંક્રમિત થયા હોવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. હાલ 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આગામી તા. 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવશે. ભારતમાં હાલ કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. આ બંને રસીનો પહેલો ડોઝ કે બંને ડોઝ લેનારાઓમાંથી માત્ર 0.04 ટકા લોકોને ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું છે.
ICMRના ડો. વી.કે. પૉલના જણાવ્યા અનુસાર, દેશમાં સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ રસીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાથી આપણે આ બીમારીના ગંભીર તબક્કા તરફ નથી જઈ રહ્યા. કોવેક્સિન રસી તો SARS-CoV-2 વાઈરસના અનેક વેરિઅન્ટ્સ સામે પણ અસરકારક સાબિત થઈ છે. દેશમાં કોરોનાના ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેનને પણ તે અસરકારક રીતે પરાસ્ત કરે છે.