નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં આજે મહત્વના સંસદીય કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલે સોશિયલ મીડિયા પર ગૃહના સભ્યો દ્વારા તેમના વિરુદ્ધ થયેલી ટિપ્પણીને મુદ્દે તપાસ કરાવવા માંગણી કરી હતી. રાજ્યસભામાં ગ્લોબલ વોર્મિંગ મુદ્દે ચર્ચા હાથ ધરાશે. તો લોકસભામાં પ્રશ્નકાળમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ઘર વિહોણાને ઘર આપવા રાજ્યો સાથે વાતચીત કરાશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, દેશના ખૂણે ખૂણા સુધી કનેક્ટિવિટી ઊભી કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. RCS ઉડાન યોજના ખૂબ જ મહત્વની છે. તેમણે કહ્યું કે, દેશમાં એરોસ્પેસનું ભાવિ ઉજ્જવળ છે. આજે લોકસભામાં ત્રણ વિધેયક એન્ટિ મેરીટાઇમ પાયરેસી વિધેયક-2019, અનુસુચિત જનજાતિ ઓર્ડર સાથે સંકળાયેલા બીજા અને ત્રીજા સુધારા બીલ પર પણ ચર્ચા કરાશે. જ્યારે આજે રાજ્યસભામાં બિહારમાં ઝેરી શરાબના મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારના નિવેદન અંગે ભાજપના સાંસદો દ્વારા ભારે વિરોધ ઉઠાવાયો હતો.