‘અહંકારે ભાજપને 241 પર અટકાવી દીધો’ RSSના નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ RSS સતત ભાજપને સલાહ આપી રહ્યું છે. વાસ્તવમાં સૌથી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપને બહુજ મર્યાદીત શબ્દોમાં ટકોર કરી.. આ પછી સંઘના મુખપત્ર પંચજન્યમાં એક લાંબો લેખ પ્રકાશિત થયો. આ તરફ ભાજપની સાથે સત્તા ભોગવી રહેલા શિવસેનાના સુપ્રીમો એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 400ને પાર કરવાના નારાને કારણે માત્ર ભાજપને નુકસાન નથી થયું પરંતુ તેનું નુકસાન અમારે પણ ભોગવવું પડ્યું છે. હવે RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યું છે.
‘રામની પૂજા કરતા અંહકારીઓ અને રામનો વિરોધ કરનારા બન્નેમાંથી કોઇને બહુમતી ન મળી’
RSSના નેતા ઈન્દ્રેશ કુમારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, જે પાર્ટી રામની પૂજા કરતી હતી તે અહંકારી થઈ ગઈ છે, તેથી તે 2024ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તો બની ગઈ પણ પરંતુ તેને જે બહુમતી મળવી જોઈતી હતી તે ભગવાન રામે તેના અહંકારને કારણે રોકી દીધી. આ સાથે તેમણે કહ્યુ કે, જે લોકો રામનો વિરોધ કરતા હતા તેમાંથી કોઈને પણ સત્તા ન મળી. તેમણે કહ્યું કે ભગવાનનો ન્યાય ખૂબ જ સાચો અને ખૂબ જ આનંદદાયક છે.
ભાજપ અને વિપક્ષ ‘INDIA’ ગઠબંધન બંને પર નિશાન
RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે સ્પષ્ટપણે સત્તાધારી ભાજપ અને વિપક્ષ ‘INDIA’ ગઠબંધન બંને પર નિશાન સાધ્યું. જોકે તેમણે કોઈ પક્ષનું નામ લીધું ન હતું. કુમારે કહ્યું, લોકશાહીમાં રામરાજ્યના ‘વિધાન’ને જુઓ જે પક્ષ રામની પૂજા કરતો હતો પરંતુ ધીમે ધીમે અહંકારી બની ગયો હતો તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો પરંતુ જેટલા વોટ અને બહુમતી મળવી જોઈતી હતી તેને ભગવાને રોકી દીધી. તેમણે કહ્યું કે, ભક્તિ કરવાવાળો પક્ષ અહંકારી બની ગયો તો ભગવાને તેને 241 પર રોક્યો અને જેમને રામમાં વિશ્વાસ નથી, ભગવાને તેમને 234 પર રોક્યા.
‘ભગવાન રામે દરેકને ન્યાય આપ્યો’
કુમાર જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ’ને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું, જેણે પણ લોકોને ત્રાસ આપ્યો, રામજીએ તેને કહ્યું કે પાંચ વર્ષ આરામ કરો, હવે પછી જોઈશું કે તેની સાથે શું કરવું. તેમણે કહ્યું કે રામે દરેકને ન્યાય આપ્યો છે અને આપતા રહેશે, રામ હંમેશા ન્યાયી હતા અને રહેશે. કુમારે એમ પણ કહ્યું કે, રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ તેને મારીને ભલુજ કર્યું. તેમણે કહ્યું કે, ભગવાન હનુમાને કહ્યું હતું કે ‘રામ સે બડા રામ કા નામ’