હરિયાણામાં માર્ગ અકસ્માતમાં આઠના મોત, 8 વ્યક્તિ ઘાયલ
- કુરુક્ષેત્રના ભક્તો વાહનમાં રાજસ્થાન જઈ રહ્યાં હતા
- ભક્તોના વાહન અન્ય વાહન સાથે અથડાયું
નવી દિલ્હીઃ હરિયાણામાં જીંદના નરવાનામાં ભક્તોથી ભરેલા વાહનને ટ્રકે ટક્કર મારતાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. ઘાયલોને નરવાના સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે, કુરુક્ષેત્રના મરખેડી ગામના લગભગ 15 લોકો સાંજે રાજસ્થાનના ગોગામેડી ધામમાં પૂર્જા-અર્ચના કરવા માટે એક વાહનમાં જઈ રહ્યા હતા. રાત્રે લગભગ 12.30 વાગે તેઓ નરવાના બિરધાણા ગામ નજીકથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે પાછળથી આવી રહેલા એક ટ્રકે તેમના વાહનને ટક્કર મારી હતી, જેના કારણે વાહન ખાડામાં પડીને પલટી ગયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘાયલોને સારવાર માટે નરવાના સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે બાકીના ઘાયલોને અગ્રોહા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આ દૂર્ઘટનામાં રૂક્મણી (ઉ.વ.50), કામિની (ઉ.વ.35), તેજપાલ (ઉ.વ 55), સુરેશ (ઉ.વ 50), પરમજીત (ઉ.વ 50), મુક્તિ (ઉ.વ 50)ના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય મૃતકોની ઓળખ થઈ નથી.