Site icon Revoi.in

બનાસકાંઠામાં ડ્રોનની બાજ નજરથી ગેરકાયદે રેતી ભરેલા આઠ ડમ્પરો સીઝ કરાયા

Social Share

પાલનપુરઃ રાજ્યમાં બનાસકાંઠામાં ખનીજચોરીનું સૌથી વધુ દુષણ છે. હવે ભૂસ્તર વિભાગે ખનીજચોરોને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરતા બેરોકટોક ફનીજચોરી પકડાવવા લાગી છે. તાજેતરમાં ચેકિંગ કામગીરી દરમિયાન સિહોરીના અરણીવાડા ગામ નજીક ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 3 ટ્રેલર તેમજ 5 ડમ્પર પકડાયા હતા. તમામ રેતી ભરેલા વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગની કડક કામગીરીથી ફનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ગત રાતે 27 ઓગસ્ટ 2022 ના રોજ ચેકિંગ કામગીરી દરમિયાન ખાનગી રાહે આકસ્મિક તપાસ કરાતા  સિહોરીના અરણીવાડા ગામ નજીક ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 3 ટ્રેલર તેમજ 5 ડમ્પર પકડાયા હતા. ખનીજ વહન કરતા ડમ્પરચાલકોની પૂછપરછ કરતાં રોયલ્ટી પરમીટ વગર સાદી માટી વહન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. રેતી ભરેલા આઠ ડમ્પરોને ઝડપી શિહોરી પોલિસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. આમ, 8 વાહન તેમજ ખનિજ મળી રૂ. 2.50 કરોડ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જેની અંદાજે 15 લાખની દંડકિય રકમની વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, બનાસકાંઠાની તપાસ ટીમ દ્વારા અવાર નવાર સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે તથા તપાસ ટીમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહન મારફતે, ખનીજ ચોરી અટકાવવા દિવસ રાત તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવે છે. ડ્રોનની કામગીરીને કારણે ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.