Site icon Revoi.in

કતારમાં ભારતના આઠ ભૂતપૂર્વ મરીનને મૃત્યુદંડની સજા રોકી દેવામાં આવી

Social Share

નવી દિલ્હીઃ કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર રોક લગાવી દીધી છે, એમ વિદેશ મંત્રાલયે માહિતી આપી છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કતારની અપીલ કોર્ટના આજના નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેમાં સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં કતારની એક કોર્ટે કથિત જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલા આઠ પૂર્વ ભારતીય નૌકાદળના જવાનોને ફાંસીની સજા સંભળાવી હતી. દોહા સ્થિત દહરા ગ્લોબલના તમામ કર્મચારીઓ, ભારતીય નાગરિકોને ઓગસ્ટ 2022માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ગયા મહિને ભારતે કતાર સ્થિત એપેલેટ કોર્ટમાં ફાંસીની સજા વિરુદ્ધ અરજી કરી હતી.

મંત્રાલયે કહ્યું હતું કે, કતારમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ આજે અપીલ કોર્ટમાં તેમના પરિવારના સભ્યો સાથે હાજર હતા. કેસની શરૂઆતથી અમે તેમની સાથે ઉભા છીએ. અમે બધા તેમને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. આ મામલો કતારના સત્તાવાળાઓ સાથે ઉઠાવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે હજુ વિગતવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે. આ કેસમાં કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ હોવાને કારણે તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. અમે આગળના પગલાઓ પર નિર્ણય લેવા માટે કાયદાકીય ટીમ સાથે પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છીએ.

કોણ છે પૂર્વ નૌસેનિક

જેમની વિરુદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં રિટાયર્ડ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીનો પણ સમાવેશ થાય છે. પૂર્ણેન્દુ એક ભારતીય પ્રવાસી છે જેમને 2019 માં પ્રવાસી ભારતી સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દહરા કંપની (હવે હાજર નથી)ની વેબસાઈટ પર નોંધાયેલી માહિતી અનુસાર, પૂર્ણન્દુ તિવારીએ ભારતીય નૌકાદળમાં ઘણા મોટા જહાજોને કમાન્ડ કર્યા છે.