પોરબંદરઃ સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા,ઓખા સહિતના માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય છે. ઘણીવાર માછીમારો આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યાં રાહ જોઈને બેઠેલા પાકિસ્તાની મરીન સિક્યુરિટીના જવાનો નાપાક હરકત કરીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોય છે. ત્યારે ઓખાના આઠ જેટલા માછીમારો પર ફાયરિંગ કરીને બોટ સાથે અપહરણનો બનાવ બન્યો હતો, ભારતીય માછીમારોના અપહરણની જાણ થતાં જ દેશની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ હતી. અને આંતર રાષ્ટ્રીય જળ સીમા પર વોચ ગોઠવીને ભારતીય માછીમારો ભૂલથી પણ બોર્ડર ક્રોસ ન કરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીક માછીમારી કરી રહેલી ઓખાબંદરની એક બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરીંગ કરી આઠ માછીમારોનું અપહરણ કરાતા ચકચાર મચી હતી. પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણ માટે ફાયરીંગ કરાતા અન્ય માછીમારોમાં ભયનો માહોલ છવાયો છે. આઠેય માછીમારોનું અપહરણ કરી બોટ સાથે પાકિસ્તાન લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છના જખૌ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળ સીમા આઈએમબીએલ પાસેથી પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીએ બેટ દ્વારકાની જીજે 37-એમએમ-1752 નંબરની અલ કીરમાણી નામની માછીમારી બોટ પર હુમલો કર્યો હતો. આ બોટમાં માછીમારી કરી રહેલા 8 વ્યક્તિઓ પર પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીની કોલચી નામની બોટમાંથી અચાનક જ ફાયરીંગ શરૂ કરાયું હતું. આથી માછીમારો હેબતાઈ ગયા હતા. તે દરમિયાન અલ કિરમાણી પાસે પહોંચી ગયેલા નાપાક એજન્સીના સદસ્યોએ તમામ 8 માછીમારોને ઝબ્બે લઈ તમામના અપહરણ કરી લીધા હતા. આ બનાવની ભારતીય સુરક્ષા એજન્સીઓને અહેવાલ મળે તે પહેલા તમામ અપહૃતોને ભોટ સાથે પાકિસ્તાન અપહરણ કરીને લઈ જવાયા હતા.. બેટ દ્વારકાની ઉપરોકત બોટમાં કયા કયા માછીમારો હતા? તેની વિગતો મેળવવાની તજવીજ કરવામાં આવી રહી છે.
ઓખામાં બોટ માલિક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બોટનું નામ અલ કિરમાણી છે. જેમાં મારો પુત્ર જાવીદ ગની ટંડેલ અને સાત માછીમારો છે જેમાં ખલીબ, અબ્બાસ ,એહમદ, તથા ચાર માછીમારો બોટમાં સવાર હતા અને ભારતીય જળસીમામાં માછીમારી કરતા હતા. ત્યારે ઈન્ડિયાની બોર્ડરમાંથી અપહરણ કરીને ઉઠાવી ગયા છે. આખી ઘટનાની તો બીજી બોટો ફિશિંગ કરીને પરત આવે ત્યારબાદ ખબર પડે અમે સવારથી જ બોટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને બોટનો સંપર્ક થતો નથી.